પાલીતાણાથી હસ્તગીરી તીર્થને સાંકળતો માર્ગ અતિ બિસ્માર
- ડામરનું નામોનિશાન રહ્યું ન હોય વાહનચાલકોને હાલાકી
- ખખડધજ માર્ગને કારણે વાહનો છાસવારે પછડાટા હોય મોંઘીદાટ એસેસરીઝને થઈ રહેલુ વ્યાપક નુકશાન
પાલીતાણા તેમજ હસ્તગીરી બંને પવિત્ર યાત્રાધામ સ્થળ છે તેના કારણે તંત્રવાહકો દ્વારા આજથી વર્ષો પુર્વે આ બંને તીર્થને સાંકળતા માર્ગ પર આર. સી. સી. બનાવી તેની ઉપર ડામર પાથરવામાં આવ્યો હતો. હાલ આ રોડ પર ડામરનું નામોનિશાન રહેવા પામ્યું ન હોય આ ગંભીર હકીકત જાગૃત નાગરિકોમાં ટીકાને પાત્ર બનેલ છે. પાલીતાણાથી હસ્તગીરી તીર્થ સુધીના માર્ગની તદ્રન ખરાબ હાલતના કારણે વાહનો છાસવારે પછડાય છે. તેમાં ફોર વ્હીલ વાહનોની મોંઘીદાટ એસેસરીઝને વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય છે. પાલીતાણા અને હસ્તગીરી યાત્રાધામ તિર્થ ધામમાં દર શનિવાર,રવિવાર અને જાહેર રજા અને તહેવારના દિવસોમાં દેશભરમાંથી હજારો ભાવિકો સરકારી, ખાનગી વાહનોમાં અત્રે ઉમટી પડતા હોય છે. પાલીતાણાથી હસ્તગીરી તીર્થને સાંકળતા આ પંથકના ખખડધજ માર્ગોને લઈને વાહનચાલકો જ નહિ બલકે મુસાફરો પણ તોબા પોકારી ગયા છે. વર્ષ દરમિયાન ખાસ કરીને પર્યુષણ દરમિયાન પાલીતાણા અને હસ્તગીરી પંથકના માર્ગ પર સતત વાહનોની અવરજવર રહેતી હોવાના કારણે તે સતત ધમધમતો રહે છે. ખાસ કરીને પાલિતાણાથી ગરાજીયા, જીવાપુર, ડુંગરપુર, રોહિશાળા, ગંધોળ, નાના અને મોટા જાળીયા તેમજ હસ્તગીરી સુધીના આ રોડમાં ડામરનું નામોનિશાન રહ્યું નથી જેના કારણે વાહનચાલકોને ત્યાંથી પસાર થવામાં રોડની દુર્દશાને લઈને નાકે દમ આવી જાય છે. આ બિસ્માર રોડ અંગે આસપાસના તમામ ગામડાઓના સરપંચ અને આગેવાનો દ્વારા પાલીતાણાના ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ વખતોવખત રજુઆતો કરવા છતા તે પ્રશ્ન આજની તારીખે પણ અણઉકેલ રહેતા ગ્રામજનોમાં સત્તાધીશો પ્રત્યે સખ્ત નારાજગી જન્મી છે.