ધો.9 ના વિદ્યાર્થીઓની પ્રખરતા શોધ કસોટીનું પરિણામ જાહેર

Updated: May 15th, 2024


Google NewsGoogle News
ધો.9 ના વિદ્યાર્થીઓની પ્રખરતા શોધ કસોટીનું પરિણામ જાહેર 1 - image


- 9 ફેબુ્રઆરીમાં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ

- ભાવનગર જિલ્લામાંથી 5889 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી : સ્વા. ગુરૂકુળનો વિદ્યાર્થી સાતમાં ક્રમે

ભાવનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે વિદ્યાર્થી પ્રતિભાને ખીલવવા પ્રખરતા શોધ કસોટી યોજાય છે. ધો.૯ના વિદ્યાર્થીઓ માટે લેવાતી આ પરીક્ષામાં ભાવનગરના ૫૮૮૯ વિદ્યાર્થી જોડાયા હતાં જેનું આજે પરિણામ જાહેર થયું છે. બોર્ડ દ્વારા કુલ ૧૦૦૨ વિદ્યાર્થીના માર્કસ અને પર્સન્ટાઇલ સાથે મેરીટ લીસ્ટ જાહેર થયું છે જેમાં ગુરૂકુળનો વિદ્યાર્થી સાતમાં ક્રમે આવેલ છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગઇ તા.૯ ફેબુ્રઆરીના રોજ ધો.૧૦ પૂર્વે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવા અને તેની પ્રતિભાને બહાર લાવવા ઉપરાંત રોકડ પુરસ્કાર મેળવવા પ્રખરતા શોધ કસોટીનું ભાવનગર ખાતે ૧૦ કેન્દ્રો પરના ૨૭ બિલ્ડીંગમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં નોંધાયેલ ગુજરાતી માધ્યમમાં ૫૪૪૮ અને અંગ્રેજી માધ્યમના ૭૭૮ વિદ્યાર્થીઓમાંથી કુલ ૫૮૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ પ્રખરતા શોધ કસોટી-૨૦૨૪માં મેરીટ (પર્સેન્ટાઇલ રેન્ક)ના આધારે રાજ્યના પ્રથમ ૧૦૦૨ વિદ્યાર્થીઓની યાદી આજરોજ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. પરીક્ષા આપેલ તમામ વિદ્યાર્થીઓના ગુણ પત્રકો અને મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના પ્રશસ્તિપત્ર સંબંધિત શાળાઓને ધો.૧૦ અથવા ધો.૧૨ના ગુણપત્રક વિતરણ સાથે મોકલી આપવામાં આવશએ. ઉક્ત સાહિત્ય મળ્યેથી શાળાએ તેના પ્રખરતા શોધ કસોટી-૨૦૨૪ (ટીએસટી)ના પરીક્ષાર્થીઓની ખરાઇ કર્યાં બાદ સંબંધિત વિદ્યાર્થીને ગુણપત્રક, પ્રશસ્તિપત્ર સમયસર વિતરણ કરવાના રહેશે. આ કસોટીમાં ગણેશ શાળા ટીમાણાની વિદ્યાર્થિની કોતર નિશાબેન મુળજીભાઇએ ૧૮૨.૭૧ માર્કસ અને ૯૯.૯૯ પીઆર સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી સાબીત કરી દીધું છે કે શિક્ષણ માટે સંપત્તિ અને સગવડ નહીં પણ શિક્ષણની પ્રબળ ભૂખ અને સખત મહેનતની તમન્ના થકી ઉચ્ચ પરિણામ લાવી શકાય છે. ગણેશ શાળાના કુલ ૪૮ બાળકો પસંદગી પામ્યા છે. આ સાથે ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળના ૫૪ વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સ્વામિનારાયણ ગુરૂકુળના મકવાણા યક્ષ જયેશભાઇએ ૧૭૮.૦૨ માર્કસ તેમજ ૯૯.૯૮ પીઆર રેન્ક સાથે સમગ્ર રાજ્યમાં ૭મો ક્રમ પ્રાપ્ત કરી અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત પંડિત દર્શિલ અનિલભાઇએ ૧૭૫.૦૪ માર્ક સાથે ૧૧મું સ્થાન પ્રાપ્ત કરેલ છે.


Google NewsGoogle News