રાણપુર-બોટાદનો રોડ લકવાગ્રસ્ત, વર્ષોથી નવિનીકરણ કરાયું જ નથી
- મિલેટ્રી રોડના મોટા-મોટા ખાડાથી અકસ્માતને નિમંત્રણ
- નેશનલ હાઈવે ઓથોરિટીની આડોડાઈ, રાજ્ય સરકાર હસ્તક હતો ત્યારે રોડ ટનાટન રહેતો
અમદાવાદ જિલ્લામાંથી વિભાજીત થઈ બોટાદ જિલ્લાના રાણપુરથી બોટાદ જિલ્લા મથકે જવાનો આ મીલીટ્રી રોડ લકવાગ્રસ્ત બન્યો છે.અગાઉ રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ પાસે આ ઘોરી માર્ગ હતો.ત્યારે ટનાટન રહેતો હતો.જરૂર પડે ત્યારે તેની મરામત થતી હતી. તેમજ ડામર સપાટીનું કામ પણ થતુ હતુ.પરંતુ રાજય સરકાર દ્વારા આ ધોરી માર્ગને હાઈવે ઓથોરીટીને સોંપાઈ ગયા બાદ તેની દશા બગડી ગઈ છે. રાણપુરથી બોટાદ સુધીના રસ્તામાં મોટા ખાડાઓ તારવવા માટેે ફોરવ્હીલને જાળવી જાળવીને ચલાવવાનો વખત આવ્યો છે. રાત્રે તો આ ખાડાઓ આવતા જ જાય ત્યારે તેની હાલત ખરાબ થઈ જાય અને ટુવ્હીલર્સવાળાની તો વાત જ ન થાય. ગમે ત્યારે સ્લીપ થઈ નીચે પડવાનો વારો આવે છે. બોટાદ અને રાણપુરના નેતાઓ અને આગેવાનો સહિતના આ ધોરી માર્ગ પરથી નિયમીત પસાર થાય છે ઉપરાંત જિલ્લાના અને તાલુકાના અધિકારીઓ પણ આ રસ્તા પરથી નીયમીતપણે તાલુકા અને જિલ્લા મથકે અવર-જવર કરતા હોય છે. તેમ છતાં તેઓ સક્રિય રસ દાખવીને નેશનલ હાઈવે ઓથોરીટીના જવાબદાર ઈજનેરો પાસે આ મીલીટ્રી ધોરી માર્ગની મરામત કે ડામર સપાટીનું નવિનીકરણ કરાવતા કેમ નથી અને તે માટે પ્રજાનું કોણ. અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાણપુર, ધંધુકા અને પાળીયાદ ધોરી માર્ગ તો ઘણો ટનાટન થઈ ગયો છે પણ રાણપુરથી બોટાદના મીલીટ્રી રોડનું સમારકામ કે નવિનીકરણ કરવામાં નેશનલ હાઈવે ઓથોરીટીને શુ તકલીફ વેઠવી પડતી હશે તે ચર્ચાસ્પદ બન્યુ છે.