કોમર્સ ફેકલ્ટીના ડીન અને અધ્યક્ષ પદ માટે ટેમ્પરરી પ્રો.બી.સી. અજમેરાને સોંપાયું
- પીએચડીની 2 વિદ્યાર્થીનીઓની ફરિયાદ, કમિટીના અહેવાલ બાદ ઇસીનો નિર્ણય
- તાજેતરમાં બન્ને સક્ષમ પ્રોફેસરે કરેલ સામ સામી ફરિયાદના મામલે કમિટીએ નિવેદનો લીધા
મળતી વિગતો મુજબ કોમર્સ ફેકલ્ટીના સીનીયોરીટી પ્રમાણે છેલ્લા નવ માસથી પ્રો.વી.એ. મોદીને અધ્યક્ષ ડીન પદ સોંપાયું હતું. જ્યારે પી.એચડી.ની બે વિદ્યાર્થીની દ્વારા અધ્યક્ષ સામે ડીઆરસીમાં સતામણી, ટાઇટલ બદલવા ન દેવું અને પીએચ.ડી. પુરૂ નહીં થાય તેવી ફરિયાદ યુનિ. સમક્ષ કરાઇ હતી. જે અઁગે તત્કાલ કમિટીનું ગઠન કરાયું હતું અને કમિટીએ આપેલ અહેવાલને ઇ.સી.માં રજૂ કરાયા બાદ યુનિ. દ્વારા ફરિયાદી બંને વિદ્યાર્થીનીનું પીએચ.ડી. પુરૂ ન થાય ત્યાં સુધી પ્રો.વી.એ. મોદીને અધ્યક્ષ અને ડીન પદથી દુર કરી બુટાલાલ અજમેરાને ટેમ્પરરી પદ આપવાનો નિર્ણય કરાયો હોવાનું વી.સી.એ જણાવ્યું હતું. જો કે, આ ઘટનાક્રમ અંતર્ગત તાજેતરમાં વી.એ. મોદી અને બુટાલાલ વચ્ચે બોલાચાલી થઇ હતી અને બન્નેએ એકબીજા સામે આક્ષેપો કર્યાં હતાં. જે અંગે પણ નવી કમિટી નિમાણી હતી અને આજે બન્નેના નિવેદનો પણ લેવાયા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે પ્રો.વી.એ. મોદીએ અગાઉની કમિટીએ પોતાને સાંભળ્યા ન હોવાની બાબત પણ યુનિ. સમક્ષ રજૂ કરી હોવાનું જણાયું છે.