મોબાઇલ ફોનમાં સાચવેલા ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવા અને દિકરાને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
- જામખંભાળિયામાં ધરાર પ્રેમી દિયર સામે ગુનો નોંધાયો
- વિધવા ભાભીને પોતાની સાથે પ્રેમ સબંધ રાખવાનું કહેતા દિયરે ધમકી આપી
જામખંભાળિયા : કોરોના કાળમાં ભાઇનું મૃત્યુ થયા પછી વિધવા થયેલી ભાભીએ તેના બીજા લગ્ન કર્યા હતા પરંતુ એ લગ્નજીવન સફળ ન થતાં છૂટાછેડા થયા હતા અને બીજા લગ્નના પતિએ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. એ પછી આ જ પરિવારના દિયર સાથે એક માસ સુધી પ્રેમસબંધ બાંધ્યો હતો. પરંતુ આ દિયર સાથે માથાકૂટ થતાં સબંધ કાપી નાખ્યો હતો. આમ છતાં દીયરે સબંધ રાખવાનું દબાણ કરી અંગત ફોટાઓ વાયરલ કરવાની અને વિધવાના સંતાનને મારી નાખવાની ધમકી આપતા વિચિત્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ખંભાળિયાના ટેલિફોન એક્સચેન્જની સામેના ભાગે હાલ રહેતી સરોજબેનના લગ્ન આજથી આશરે ૧૨ પૂર્વે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને હાલ ૧૧ વર્ષનો પુત્ર છે.
આજથી આશરે બે વર્ષ પૂર્વે કોરોના કાળ દરમિયાન સરોજબેનના પતિ રસિકભાઈ અવસાન પામ્યા હતા. ત્યાર બાદ તેણીએ રોહિતભાઈ જયંતીભાઈ સોનગરા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ સંયુક્ત કુટુંબમાં રહેતા સરોજબેનના પતિ રોહિતે એકાદ વર્ષમાં મનમેળ ન થતા છૂટાછેડા લઈ લીધા હતા અને ત્યારબાદ રોહિતે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ પછી સરોજબેનને રોહિતના ભાઈ મહેશ જયંતીભાઈ સોનગરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બંને વચ્ચે એકાદ મહિનો પ્રેમ સંબંધ રહ્યા બાદ બન્ને વચ્ચે નાની-નાની વાતમાં ઝઘડા થતા હોવાથી રાજીખુશીથી બંને અલગ થઈ ગયા હતા.
બંને અલગ થયા બાદ મહેશ દ્વારા સરોજબેનને તેણી સાથે ફરીથી પ્રેમ સંબંધ રાખવા માટે કહેતા તેણીએ ના પાડી દીધી હતી. પરંતુ દેર મહેશ અવારનવાર તેના ભાભી સરોજબેનને દબાણ કરતો હોવા ઉપરાંત ફોન કરીને બિભત્સ ગાળો કાઢી, તેણીના ઘરે આવીને હેરાન પરેશાન કરી અને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. પરંતુ સરોજબેન હવે ત્રીજા લગ્ન કરવા માંગતા ન હોવાથી મહેશને ના પાડી દીધી હતી. આથી મહેશ દ્વારા તેમના અંગત ફોટા મોબાઈલ ફોનમાં મોકલીને વાયરલ કરવાની ધમકી આપી, જો તે લગ્ન નહીં કરે તો તેણીને તથા તેણીના દીકરાને મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ સરોજબેને અહીંના પોલીસ મથકમાં નોંધાવી છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આરોપી મહેશ જયંતીભાઈ સોનગરા (રહે. ગુંદમોરા વાડી વિસ્તાર) સામે ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.જે. હુણ દ્વારા હાથ ધરવામાં આવી છે.