રોહિશાળા ગામે આદિનાથ દાદાના પગલા ખંડીત કરનાર શખ્સ પકડાયો
- પગલાને ટોચા મારી ખંડીત કરતા જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો
- રોહિશાળાના નાસ્તિક શખ્સને સોમવાર સુધીના રિમાન્ડ મેળવાયા, અગાઉ ઈલે. મોટરના વાયર ચોરી કર્યાનું પણ ખુલ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર પાલિતાણા તાલુકાના રોહિશાળા ગામે જૈન ધર્મની આસ્થાનું કેન્દ્ર ભગવાન આદીનાથ દાદાની દેરીએ ગત તા.૨૬-૧૧ના રોજ સાંજના ૬થી તા.૨૭-૧૧ના રોજ વહેલી સવારના પાંચ કલાકના કોઈ પણ અરસામાં અજાણ્યા શખ્સે જઈ ટોચા મારી આદીનાથ દાદાના પગલાને ખંડીત કરી નાંખ્યા હતા. આ ઘટના અંગે આણંદજી કલ્યાજી પેઢીના મેનેજર સિક્યુરીટી ઓફિસર જગદીશચંદ્ર અંબાલાલએ પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી ૨૯૫, ૪૪૭ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ આર.જે. રહેવરએ હાથ ધરી હતી. દરમિયાનમાં ભગવાન આદીનાથ દાદાના પગલા ખંડીત કર્યાની વાત વાયુવેગે પ્રસરતા સમગ્ર જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી રોહિશાળા ગામે જ કેમ્પ રાખી શકદારોની તપાસ હાથ ધરી હતી. જેમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લઈ તપાસનો દૌર આગળ ધપાવતા ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવું હિનકૃત્યમાં ગેમા ઉર્ફે પિન્ટુ રાઘવભાઈ ગોહિલ (રહે, હાલ પ્લોટ વિસ્તાર, ભુંડરખા, મુળ રોહિશાળા, તા.પાલિતાણા) નામનો શખ્સ સંડોવાયેલો હોવાની હકીકત મળતા પોલીસે તેને દબોચી લઈ આગવીઢબે પૂછપરછ કરતા શખ્સે ભાંગીપડી પથ્થરથી પગલાને ટોચા મારી ખંડીત કર્યા હોવાની કબૂલાત આપી હતી. વધુમાં આજે શનિવારે ગેમા ઉર્ફે પિન્ટુ ગોહિલને પોલીસે કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હોવાનું તેમજ થોડા દિવસ પહેલા રોહિશાળા ગામે એક ખેડૂતની વાડીમાંથી ઈલેક્ટ્રીક મોટરના વાયરની ચોરી કર્યાની પણ કબૂલાત આપી હતી.
દાદાની દેરીએ ચોરી કરવાના ઈરાદે ગયો હતો
રોહિશાળા ગામે ભગવાન આદિનાથ દાદાના પગલા ખંડીત કરવાની ઘટનામાં ઝડપાયેલો ગેમા ઉર્ફે પિન્ટુ ગોહિલ નામનો શખ્સ ગુનાહિત માનસ ધરાવે છે. આ શખ્સે અગાઉ પણ ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે જૈન ધર્મની લાગણી દુભાવનાર શખ્સે પોલીસ સમક્ષ પોપટ બની વધુમાં કબૂલાત આપી હતી કે, ગત તા.૨૬-૧૧ના રોજ સાંજથી તા.૨૭-૧૧ના વહેલી સવારના અરસા દરમિયાન તે ભગવાન આદીનાથ દાદાના પગલાની દેરી ખાતે ચોરી કરવા ગયો હતો. પરંતુ કોઈ કિંમતી ચીજવસ્તુ મળી ન આવતા તેણે પથ્થરથી પગલાને ટોચા મારી ખંડીત કર્યાનું ઉમેર્યું હતું.