મનપાની સાધારણ સભામાં ફરી લીઝપટ્ટા અને ચિત્રાની જમીન અંગે સવાલ ઉઠયાં
- મેયર અને કોંગ્રેસ નગરસેવક વચ્ચે ચકમક, નગરસેવકે જમીન પર બેસી વિરોધ કર્યો, ત્યારબાદ સભા છોડી નિકળી ગયા
- ચિત્રામાં ઔદ્યોગીક ઝોનમાંથી રહેણાંક ઝોનમાં જમીન ફેરફાર કરવાનો ઠરાવ મંજૂર કરાયો પરંતુ રૂ. 20 લાખ વેરો વસુલવાનો બાકી
મહાપાલિકાના હોલ ખાતે સાધારણ સભા આજે સોમવારે સાંજે મેયરના અધ્યક્ષ સ્થાને મળી હતી. સાધારણ સભાની શરૂઆતમાં ગત સાધારણ સભાના બે ઠરાવ મામલે સવાલો ઉઠયા હતા, તે ઠરાવ અંગે ચર્ચા થઈ હતી, જેમાં રૂખડીયા હનુમાન પાસે, રૂવાપરી રોડ પર ઓલ ફેકટરી પ્લોટ નં. એફ-૬ના લીઝપટ્ટાની મુદ્દત રીન્યુ કરવી તેમજ ચિત્રામાં ઔદ્યોગીક ઝોનમાંથી રહેણાંક ઝોનમાં જમીન ફેરફાર કરવાનો ઠરાવને ગત સાધારણ સભામાં મંજૂરી આપી દેવામાં આવી હતી. આ બંને ઠરાવ કેટલીક બાબતોને લઈ ભાજપ-કોંગ્રેસના નગરસેવકોએ સવાલ ઉઠાવ્યા હતાં. આ ઠરાવ મામલે ભાજપના કેટલાક નગરસેવકો અને શહેર ભાજપ સંગઠન આમને-સામને આવી ગયા હતા તેથી ભાજપના કેટલાક નગરસેવકોએ મુખ્યમંત્રી તેમજ પ્રદેશ સંગઠનને રજૂઆત કરી હતી. આ મામલે આજે ફરી ચર્ચા થઈ હતી, જેમાં ચિત્રાની જમીનના ઠરાવ મંજૂર થયો છતાં હજુ મનપા દ્વારા રૂ. ર૦ લાખનો મિલ્કત વેરો વસુલ્યો નથી તેથી ભાજપના નગરસેવકોએ સવાલ ઉઠાવ્યા હતાં. આ મામલે કમિશનરે જણાવ્યુ હતુ કે, શરતચૂક થઈ છે પરંતુ આ મામલે રૂ. ર૦ લાખનો મિલ્કત વેરો વસુલવા માટે નોટિસ આપી છે ત્યારે ભાજપ નગરસેવકે જણાવ્યુ હતુ કે, આ શરતચૂક નથી પરંતુ જાણી જોઈને કરવામાં આવ્યુ હોય તેવુ જણાય રહ્યુ છે ત્યારે આ મામલે જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ. આ જમીનમાંથી મનપાને નિયમ મુજબ ૪૦ ટકા જમીન લેવાની પણ બાકી છે. ભાજપ-કોંગ્રેસ નગરસેવકોએ સવાલ ઉઠાવ્યાં બાદ આ હકીકત બહાર આવી હતી.
ફેકટરી પ્લોટના લીઝપટ્ટાની મુદ્દત રીન્યુઅલની ફાઈલમાં અગાઉ કેટલાક કાગળ ન હતા તેથી ભાજપ-કોંગ્રેસ નગરસેવકોએ સવાલ કરી તંત્રને ભીંસમાં લીધુ હતુ પરંતુ સવાલ ઉઠયા બાદ તંત્રએ વધુ કાગળ મંગાવ્યા હતા તેથી મામલો થાળે પડયો હતો. પુરતા કાગળો ન હોવાથી શંકા ઉપજી હતી તેમ કોંગ્રેસના નગરસેવકે જણાવ્યુ હતું. મહાપાલિકામાં સામાન્ય કામ માટે લોકોને વારંવાર ધક્કા થાય છે, જયારે કેટલાક ઠરાવમાં પુરતી વિગત ન હોય, મિલ્કત વેરો બાકી હોય છતા મંજૂરી મળી જતા ભાજપ-કોંગ્રેસના નગરસેવકોએ આશ્ચર્ય વ્યકત કર્યુ હતું. વરસાદી પાણી ભરાવાથી રોડ તૂટી જાય છે તેથી કેટલાક નગરસેવકો બોલી શકે છે અને કેટલાક નથી બોલી શકતા તેમ કોંગ્રેસના નગરસેવક જયદિપસિંહ ગોહિલ બોલતા મેયરે કોંગ્રેસ નગરસેવકને ટોકયા હતા અને મુદ્દાસર બોલવા જણાવ્યુ હતું. આ મામલે મેયર અને કોંગ્રેસના નગરસેવક વચ્ચે ચકમક ઝરી હતી. કોંગ્રેસ નગરસેવક જયદિપસિંહ જમીન પર બેસી ગયા હતા અને વારંવાર ટોકવા સામે મેયર સામે વિરોધ વ્યકત કર્યો હતો, આવી દાદાગીરી ન ચાલે, અધ્યક્ષે પક્ષપાત ન કરવાનો હોય, પ્રજાના પ્રશ્ને સવાલ કરીએ છીએ તેમ કોંગ્રેસ નગરસેવકે જણાવ્યુ હતું. મેયરે મુદ્દાસર બોલાવાનુ કહેતા કોંગ્રેસના નગરસેવકો સભા છોડી જતા રહ્યા હતાં. આ દરમિયાન કોંગ્રેસના વિપક્ષના નેતા ભરત બુધેલીયા હાજર ન હતા, ત્યારબાદ તેઓ સભામાં આવ્યા હતા અને તેઓએ ગાર્ડન અંગે સવાલો કર્યા હતા અને પછી તેઓ પણ જતા રહ્યા હતાં. વિપક્ષની ગેરહાજરીમાં આ સાધારણ સભામાં તમામ ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ઘરવેરાની જૂની કર-પધ્ધતિમાં ચાર વર્ષની મુદ્દલ તથા ૧૦૦ ટકા વ્યાજ માફીની સ્કીમની મુદ્દત વધુ ૮ માસ માટે લંબાવવા અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ કરવામાં આવ્યો હતો.
ગાર્ડન વ્યવસ્થીત બનાવો, કોંકરીટનુ જંગલ ન બનાવો
મનપાની સાધારણ સભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા ભરત બુધેલીયાએ શહેરમાં બની રહેલા ગાર્ડન અને આગામી દિવસોમાં નવા બનાવવામાં આવવાના છે તે ગાર્ડનની માહિતી માંગી હતી, ત્યારબાદ તેઓએ ગાર્ડન વ્યવસ્થીત બનાવો કોંકરીટનુ જંગલ ન બનાવો તેમ જણાવ્યુ હતું. મહિલા કોલેજ સર્કલ, સરદારનગર સર્કલ ડિઝાઈન સામે તેઓએ સવાલ ઉઠાવી રોષ વ્યકત કર્યો હતો. નબળુ કામ થતુ હોવાનો આક્ષેપ કર્યો હતો અને પ્રજાના વેરાના પૈસાનો બગાડ થઈ રહ્યો છે તેમ જણાવ્યુ હતું. આ બાબતે સ્થળ તપાસ કરી યોગ્ય કરવા તેઓએ માંગણી કરી હતી.
ચિત્રા-ફુલસરમાં જાહેરહેતુના પ્લોટમાં વિકાસ નહીં થતા રોષ
ભાવનગર શહેરના ચિત્રા-ફુલસર વોર્ડની ટી.પી.સ્કીમને ૪૦ વર્ષ થયા છતાં જાહેર હેતુના ર૦ પ્લોટમાંથી એક પણ પ્લોટમાં ડેવલપમેન્ટ થયુ નથી તેથી ભાજપના નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ સવાલો કર્યા હતાં. ત્રણ વર્ષથી બગીચાની માંગણી કરીએ છીએ છતાં બગીચો બન્યો નથી. બેટરમેન ચાર્જ લ્યો છો તો વિકાસ તો કરો, આ વોર્ડ સાથે શુ કામ ભેદભાવ કરવામાં આવે છે ?. પ્રજાનો હક્ક છે, ભીખ નથી માંગતા. જેના હાથમાં સત્તા હોય ત્યાં ઝડપી કામગીરી થાય છે. વારંવાર માંગવુ પડે તે વ્યાજબી નથી તેમ કહી રોષ ઠાલવ્યો હતો.
વરસાદી પાણી ભરાતા રોડ તૂટી જાય છે છતાં પગલા લેવાતા નથી
ભાવનગર શહેરના કયાં વોર્ડમાં વરસાદી પાણી ભરાય છે અને વરસાદી પાણી ભરાવાથી કેટલા રોડ તૂટયા છે ? તે અંગે કોંગ્રેસના નગરસેવક જયદિપસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યો હતો. આ માહિતી ટકાવારીમાં આપવામાં આવી હતી તેથી કોંગ્રેસ નગરસેવકે ટકાવારીમાં કંઈ ખબર પડતી નથી તેમ જણાવ્યુ હતું. આ અંગે અધિકારીએ કયાં વોર્ડમાં કેટલા વિસ્તારમાં પાણી ભરાય છે તેની માહિતી આપી હતી. વરસાદી પાણી ભરાવાથી રોડ તૂટી જાય છે તેથી જવાબદારી કોની ? રોડ પર સરખા ઢાળ પાડવામાં આવતા નથી અથવા વરસાદી પાણી જવાની વ્યવસ્થા નથી તેથી રોડ તૂટે છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ પ્રશ્ન હલ થતા નથી ત્યારે યોગ્ય પગલા લેવા કોંગ્રેસ નગરસેવકે માંગણી કરી હતી. વરસાદી પાણીના નિકાલ માટે મનપાએ સારી કામગીરી કરી છે તેમ કહી ભાજપના કેટલાક નગરસેવકોએ વખાણ કર્યા હતા અને પોતાના વિસ્તારમાં કેટલાક સ્થળે પાણી ભરાય છે ત્યારે યોગ્ય કરવા માંગણી કરી હતી.
ફેકટરી પ્લોટના લીઝપટ્ટાની મુદ્દત રિન્યુ કરવાના મામલે નગરસેવકોએ સવાલ ઉઠાવ્યા બાદ કેટલાક ખુટતા કાગળો મંગાવ્યા
મહાપાલિકામાં સામાન્ય કામ માટે લોકોને વારંવાર ધક્કા થાય છે, જયારે કેટલાક ઠરાવમાં પુરતી વિગત ન હોય, વેરો બાકી હોય છતા મંજૂરી મળી જતા આશ્ચર્ય ઃ સાધારણ સભામાં તમામ ઠરાવને બહાલી અપાઈ