Get The App

મેડિકલ કોલેજના બિલ્ડીંગની કંડમ સ્થિતિને એક વર્ષ થવા છતાં હજુ કામ શરૂ થયું નથી

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
મેડિકલ કોલેજના બિલ્ડીંગની કંડમ સ્થિતિને એક વર્ષ થવા છતાં હજુ કામ શરૂ થયું નથી 1 - image


- તરસ લાગે ત્યારે કુવો ખોદવા જેવો ઘાટ

- લાખો વાર માલિકીની જગ્યા હોવા છતાં ઇન્ફાસ્ટ્રક્ચરના અભાવે મેડિકલ વિદ્યાર્થીઓ કોર્ટ હોલ, નર્સિંગ કોલેજમાં વર્ગો ભરી રહ્યા છે

ભાવનગર : ભાવનગર મેડિકલ કોલેજનું વર્ષો જુનું બિલ્ડીંગ જર્જરીત બનતા આ બિલ્ડીંગને રીડેવલોપમેન્ટ કરવા અથવા રિપેરીંગની જરૂરીયાત ઉભી થતા મેડિકલ કોલેજના છાત્રોને અન્યત્ર રહેવા તથા ક્લાસ લેવાની નોબત આવી છે. પરંતુ આ બાબતને પણ એક વર્ષ જેટલો ખાસ્સો સમય વીતી ગયો હોવા છતાં નથી રીડેવલોપમેન્ટ કે નથી રિપેરીંગમાં એક ઇંટ મુકાઇ જેની પાછળ સરકારી તંત્રની લાંબી લચક વહિવટી પ્રક્રિયા જવાબદાર જણાય છે.

ભાવનગર મેડિકલ કોલેજને ઘણી જગ્યાએ જમીન સંપાદન કરાઇ છે પરંતુ આ જમીનો પર અત્યાર સુધી કોઇ બાંધકામ થયું નથી અને ખુલ્લી પડી છે. જ્યારે એકાદ વર્ષ પૂર્વે મેડિકલ કોલેજનું બિલ્ડીંગ જર્જરીત બન્યું હોવાના રિપોર્ટની સાથે વિદ્યાર્થીઓને અન્યત્ર શિફ્ટ કરવા અને વર્ગો અન્ય ચલાવવા સહિતની જટીલ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જો કે, એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં કોર્ટ હોલમાં અને નર્સિંગ કોલેજમાં વર્ગો ચાલી પણ રહ્યા છે. આમ મેડિકલ કોલેજના બિલ્ડીંગનું કામ હજું સુધી પણ શરૂ થયું નથી. જે તંત્રની લાપરવાહી છતી કરે છે. તો બીજી બાજુ મેડિકલ કોલેજને અગાઉના કાર્યકાળમાં જમીન સંપાદન પણ થયેલ છે અને આ જમીનો પર કોઇ બાંધકામ નહીં થતા ખુલ્લી પડી છે. જે આ જમીનોનો સદ્ઉપયોગ કરાયો હોત તો હાલ વિદ્યાર્થીઓને રહેવા-ભણવા યુનિ. કે અન્ય મિલ્કતોનો આશરો લેવો ન પડત. જ્યારે તંત્રએ આળસ મરડી એમ.કે. ભાવનગર યુનિ.ની ગાર્ડી ગેટ પાસે વી.સી. બંગલાની પાછળ આવેલ ૮૭૦૦૦ વાર જમીનની સાફ સફાઇ કરવામાં આવી અને પ્રી ફેબ્રીકેટેડ સ્ટ્રક્ચર ઉભુ કરવા કવાયત હાથ ધરી પરંતુ આ પ્રોજેક્ટ પણ હાલ અટક્યો હોવાનું જણાયું છે. જ્યારે નારી પાસેની જમીન અને અન્ય સ્થળો પર તબક્કાવાર બિલ્ડીંગો બનાવવા તંત્ર વિચારી રહ્યું છે. જે બાબત પાંચ વર્ષ પૂર્વે વિચારવી જરૂરી હતી. તરસ લાગે ત્યારે ખાડો ખોદવા જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે આ વાતને પણ એક વર્ષ વીતી ગયું છતાં હજુ મેડિકલ કોલેજના બિલ્ડીંગું રિડેવલોપમેન્ટ કે રિપેરીંગ કશું શરૂ થયું નથી. આમ ભાવનગરની એક માત્ર મેડિકલ કોલેજની દશા છતી સુવિધાએ આયોજનના અભાવે દુવિધારૂપ બની રહી છે. ત્યારે વહેલીતકે માલિકીની જમીન પર આધુનિક સુવિધાયુક્ત ઇન્ફાસ્ટ્રક્ચર ઉભુ કરવામાં આવે અને જુના બિલ્ડીંગ અને તાકીદે યોગ્ય નિર્ણય લઇ કામ સોંપવામાં આવે તે જરૂરી બન્યું છે.


Google NewsGoogle News