કારની નુકશાનીના પૈસાની ઉઘરાણીએ આવેલા શખ્સે વૃદ્ધને છરીનો ઘા ઝીંક્યો
- હથિયારો સાથે ધસી આવી ઝઘડો કરનાર અન્ય શખ્સો સામે પણ ઇજાગ્રસ્ત વૃદ્ધાના પુત્રએ ફરિયાદ નોંધાવી
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર નજીક આવેલ ભૂતેશ્વર ગામ, શિવનગરમાં રહેતા રોહિતભાઈ લાખાભાઈ મકવાણા અને હસમુખભાઈ મંગાભાઈ કંટારીયા આજથી છ સાત મહિના પહેલા હસમુખભાઈની ઇકો કાર લઈને બુધેલ થી દાહોદ ભાડું કરવા ગયા હતા. અને દાહોદ થી પરત આવતા હતા ત્યારે નારી નજીક આવેલ દસમાળા પાસે ઇકોનું ટાયર ફાટી જતા ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી. અને કારને નુકસાન થયું હતું. જે બાબતે હસમુખભાઈ રોહિતભાઈ પાસે નુકસાનીની રકમને માંગણી કરી હતી.જે બાબત અંગે સમાધાન થઈ ગયેલું હોવા છતાં તેની દાઝ રાખીને હસમુખભાઈ રોહિતભાઈના ઘરે ગયા હતા અને હસમુખભાઈના પિતા સાથે ઝઘડો અને બોલાચાલી કરી છરીનો એક ઘા છાતીના નીચેના ભાગે ઝીંકી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. દરમ્યાન પિયુષ મંગાભાઈ કંટારીયા, મંગાભાઈ કંટારીયા, વિજુબેન મંગાભાઈ કંટારીયા અને મધુબેન પિયુષભાઈ કંટારીયા પણ લાકડી, ધારિયું, ધોકો સહિતના હથિયારો સાથે આવ્યા હતા. અને ગાળા ગાળી કરી ધમકી આપી હતી.આ બનાવમાં ઇજાગ્રસ્ત લાખાભાઈ મકવાણાને સારવાર અર્થે ૧૦૮ મારફત સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.આ બનાવ અંગે પ્રવીણભાઈ લાખાભાઈ મકવાણા એ હસમુખ મંગાભાઈ કંટારીયા, પિયુષ મંગાભાઈ કંટારીયા, મંગાભાઈ કંટારીયા, વિજુબેન મંગાભાઈ કંટારીયા અને મધુબેન પિયુષભાઈ કંટારીયા વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.