વિઠ્ઠલવાડીના યુવાનના હત્યારા મામા, ભાણેજ સહિત ત્રણેય શખ્સ રિમાન્ડ પર
- કોયતા, ધારિયાના ઘા ઝીંકી બે ભાઈ ઉપર 6 રાઉન્ડ ગોળીબાર કરી ખૂની ખેલ ખેલ્યો હતો
- પોલીસે પિસ્ટલ કબજે કરી, મંગળવાર સાંજ સુધી રિમાન્ડ પર રહેશે
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જૂની વિઠ્ઠલવાડી, હનુમાનજી મંદિર પાસે, પ્લોટ નં.૬૨૬ના ખાંચામાં રહેતા કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને તેમના નાનાભાઈ ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલાને ગત ગુરૂવારે બપોરના સમયે વિઠ્ઠલવાડી, બે માળિયામાં રહેતો રાજુ બાબુભાઈ વેગડના ભાણેજ સાથે બોલાચાલી થઈ હતી. જેથી બન્ને ભાઈઓ રાજુ વેગડના ઘરે જતાં ત્યાં રાજુ વેગડ, તેનો ભાણેજ રાહુલ કમલેશભાઈ મકવાણા અને યશ ઉર્ફે બાબા ભાવેશભાઈ આલાણી નામના શખ્સોએ મોટા કોયતા અને ધારિયાના ઘા ઝીંકી પિસ્ટલમાંથી છ જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બનાવમાં કુલદીપસિંહનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. તેમના ભાઈ ઋતુરાજસિંહ ઝાલાને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે એક મીસ ફાયરિંગમાં પરિણીતાને પણ ગોળી વાગી ગઈ હતી. આ ચકચારી બનાવ અંગે મૃતક યુવાનના કાકા મહિપતસિંહ મહાવીરસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદના નિલમબાગ પોલીસે આઈપીસી ૩૦૨, ૩૦૭, ૧૧૪, હથિયારધારાની કલમ ૨૫ (૧-એએ), ૨૫ (૧-બી) (એ), ૨૭ (૨), જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં હત્યા કરી નાસી છૂટેલા ત્રણેય હત્યારા રાજુ વેગડ, રાહુલ મકવાણા અને યશ ઉર્ફે બાબા આલાણીને ગઈકાલે એલસીબીએ ઝડપી લઈ રાત્રે નિલમબાગ પોલીસને સોંપી દેતા આજે શનિવારે ત્રણેય શખ્સને કોર્ટમાં રજૂ કરતા મંગળવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. તેમજ દેશી બનાવટની પિસ્ટલ કબજે કરાઈ હોવાનું નિલમબાગ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.