વર્ષ 1940 થી એક પણ સરકારી મદદ વિના ચાલતી સંસ્થાએ 11 હજાર બહેનોને આત્મનિર્ભર બનાવી
- બાપુ તમે નથી કરી શકતા એ અમે કરીએ છીએ... માનભાઈના એક કટાક્ષથી શિશુવિહાર સંસ્થાને જગ્યા મળી
- બહેનોએ સ્વરાજ્ય માટેની સમાજ સુધારણાના ભાગરૂપે સીવણ તાલીમની શરૂઆત, કેરોસીનના ડબ્બાના પતરાનો શેડ બનાવી તેમાં સીવણની તાલિમ શરૂ થઈ આજે 45 બહેનો સિવણની તાલીમ મેળવે છે
ભાવનગરની શીશુવિહાર સંસ્થા દ્વારા સ્વાલંબનની કેળવણીમાં બહેનોને સાંકળવાના ગાંધીજીના આગ્રહને અનુસરીને આનંદ મંગળ મંડળ પરિવારની બહેનોએ સ્વરાજ્યની તાલીમ માટેની સમાજ સુધારણાના ભાગરૂપે સીવણ તાલીમની શરૂઆત કરી હતી. આનંદ મંગળ મંડળના બહેનો જ્યોતિ મંડળના ઉપક્રમે ગરીબ અને જરૂરિયાતમંદ બહેનોના સામાજીક પ્રશ્નો ઉકેલતા હતા. વર્ષ ૧૯૩૯માં શિશુવિહાર સંસ્થાની સ્થાપનાના એક વર્ષ બાદ ૧૯૪૦માં સંસ્થા દ્વારા બહેનોને સીવણની તાલિમ આપવાની શરૂઆત થઈ હતી. સંસ્થા પાસે શરૂઆતમાં મકાનની સુવિધા નહોતી તેથી ભંગારમાંથી કેરોસિન અને તેલના ખાલી ડબા વીણી લાકડાની વળીના આધારે શેડ બનાવી તેમાં સિવણની તાલીમ શરૂ થઈ હતી. પ્રારંભમાં ભાવનગરના કેટલાંક સંપન્ન કુંટુંબોએ તેમના ઘરના સંચા વાપરવા આપ્યા હતા. સિવણના સંચે પરિવારનું ગુજરાન ચલાવતા લીલીબેહેને અન્ય જરૂરિયાતમંદ બહેનોને પણ સિવણની તાલિમ આપી આત્મનિર્ભર બનાવી હતી. ધીરે-ધીરે આ પ્રવૃત્તિમાં અનેક સેવાના ભેખધારીઓ જોડાયા અને બહેનો બાદ ભાઈઓને પણ સીવણની તાલીમ આપવાની શરૂઆત થઈ. ભાવનગરની રબ્બર ફેક્ટરીમાં મિકેનિક વર્ક કરતા સોંડાભાઈ બારડ ફેક્ટરી બંધ થતાં ભાઈઓને સિવણની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. તે પછી ધનંજયભાઈ ત્રિવેદી પોતે દિવ્યાંગ હોવા છતાં ૩૦ વર્ષ સુધી ભાઈઓને સિવણની તાલીમ આપી સારા કારીગર બનાવ્યા. પ્રથમ દ્રષ્ટિએ ખુબ જ સામાન્ય ગણાતા આ સેવા યજ્ઞાથી અનેક પરીવારો બેઠા થયા છે. આજે પણ અહીં ૪૫ બહેનો સીવણની તાલીમ મેળવે છે. આર્થિક રીતે નબળ ૩૯૦ તાલિમાર્થીઓને રૂ.૨૮.૧૫ લાખની સીવણ સંચાની સહાય આપી બહેનોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો છે. અત્યાર સુધીમાં એક પણ સરકારી મદદ વિના આ સંસ્થાએ ૧૧ હજાર બહેનોને આત્મનિર્ભર બનાવી છે.
મહારાજા કૃષ્ણકુમારસિંજીની પ્રેરણાથી આ પ્રવૃત્તિને વેગ મળ્યો
તા. ૧૧-૧૧-૧૯૩૯માં ભાવનગરમાં પ્રજા પરિષદનું અધિવેશન મળ્યું હતું અને આ અધિવેશનની વ્યવસ્થા શિશુવિહાર સંસ્થાના આનંદ મંગળ મંડળના ભાઈઓએ સંભાળી હતી. અધિવેશન પૂર્ણ થઈ ગયા પછી મહારાજાએ યુવકોની પ્રશંસા કરી પુછ્યું કે, છોકરાઓ તમે અહીં શું કરો અને ત્યારે માનભાઈએ કહ્યું કે, બાપુ તમે નથી કરી શકતા એ અમે કરીએ છીએ. માનભાઈના કટાક્ષનો જવાબ આપતા મહારાજાએ કહ્યું કે, તમે અમને જણાવો કે અમે શું નથી કરી શકતા અને ત્યારે માનભાઈએ કહ્યું કે, અમે એક એવી જગ્યા બનાવવા માંગીએ છીએ જ્યાં ગરીબ જરૂરિયાતમંદ બહેનો અને બાળકોની જાળવણી અને કાળજી લેવાય. તે પછી ભાવનગર સ્ટેટ દ્વારા આનંદ મંગળ મંડળને જગ્યા આપી જ્યાં હાલ શિશુવિહાર સંસ્થા કાર્યરત છે.