Get The App

માત્ર સાત જહાજો સાથે અસ્તિત્વમાં આવ્યું હતું ભારતીય તટરક્ષક દળ

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
માત્ર સાત જહાજો સાથે અસ્તિત્વમાં આવ્યું હતું ભારતીય તટરક્ષક દળ 1 - image


- 'વયન રક્ષામઃ'ના સૂત્ર સાથે દરિયાઈ સરહદોની સુરક્ષા માટે તત્પર

- દાણચોરી સહિતની ગેરકાયદે દરિયાઈ પ્રવૃત્તિઓને રોકવા માટે બનાવાયેલું કોસ્ટગાર્ડ આજે અનેકાનેક રીતે ઉપયોગી

- દેશભરમાં દર વર્ષે 1 ફેબ્રુઆરીએ ઉજવાતો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે

રાજકોટ : વયન રક્ષામઃ  અર્થાત 'અમે રક્ષણ કરીએ છીએ'ના સૂત્ર સાથે દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરીની તમામ જવાબદારી તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ) સંભાળે છે. દેશભરમાં ભારતીય તટરક્ષક દળ દિવસ દર વર્ષે ૧ ફબુ્રઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૪૮મો તટરક્ષક દળ દિવસ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.

ભારતીય નૌકાદળ ૧૯૬૦ના દાયકાથી ભારતીય જળસીમામાં દરિયાઈ કાયદાનો અમલ કરવા અને તેના ઉપક્રમોની સલામતીની જવાબદારી નિભાવવા માટે એક સહાયક સંસ્થાની સ્થાપના માટે માંગણી કરી રહી હતી. નૌકાદળની આ માંગને ભારત સરકારે સ્વીકારી લીધી, જેનું એક મહત્વનું કારણ દરિયાઈ દાણચોરીને અટકાવવાનું પણ હતું. ઇ.સ. ૧૯૬૦ના દાયકા દરમિયાન રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડતી દરિયાઈ દાણચોરી તેની ટોચ પર હતી. કસ્ટમ્સ અને ફિશરીઝની એજન્સીઓ માર્યાદિત ક્ષમતા સાથે પૂરતા પ્રયાસો કરતી હતી. આમ છતાં પણ વિશાળ દરિયાઈ સીમાનો ગેરલાભ ઉઠાવીને દાણચોરો ગેરકાયદે દાણચોરી-પ્રવૃત્તિને અંજામ આપતા હતા. દાણચોરીની વધતી જતી સમસ્યાનો સામનો કરવા માટે ઈ.સ. ૧૯૭૦માં નાગ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. સમિતિએ તેની ભલામણમાં દાણચોરીની પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે એક અલગ દરિયાઈ દળની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સરકારે સપ્ટેમ્બર, ૧૯૭૪માં ભારતીય પોલીસ સેવાના કે. એફ. રૂસ્તમજી (ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરી. સમિતિનું કાર્ય દાણચોરી અને ગેરકાયદેસર દરિયાઈ પ્રવૃત્તિઓને રોકવામાં વર્તમાન વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરવાનું અને ભારતના દરિયાઈ સંસાધનોના રક્ષણ માટેના પગલાં સૂચવવાનું હતું. સમિતિએ ઈ.સ. ૧૯૭૫માં તેના અહેવાલમાં દરિયાઈ વિસ્તારની સંભાળ અને સંરક્ષણ માટે કોસ્ટ ગાર્ડ જેવી સંસ્થાની સ્થાપના કરવાની ભારપૂર્વક ભલામણ કરી હતી.

ઈ.સ. ૧૯૭૭માં, કેન્દ્રીય કેબિનેટે ભારતીય નૌકાદળમાંથી સ્થાનાંતરિત બે જહાજો અને પાંચ પેટ્રોલિંગ બોટ સાથે કોસ્ટ ગાર્ડની સ્થાપનાની મંજૂરી આપી. આ રીતે ૧ ફેબ્રુઆરી, ૧૯૭૮ના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડ ભારતના જળચર અને વિશિષ્ટ આથક ક્ષેત્રની દેખરેખ માટે માત્ર સાત જહાજોના કાફલા સાથે અસ્તિત્વમાં આવ્યું. ૧૯ ઓગસ્ટ, ૧૯૭૮ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ ભારતીય કોસ્ટ ગાર્ડનું ઔપચારિક ઉદ્ધાટન કર્યું હતું.


Google NewsGoogle News