Get The App

ડિઝાઈનરના આક્રમણ સામે માટીના ગરબાનું મહત્વ હજુ પણ અકબંધ

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
ડિઝાઈનરના આક્રમણ સામે માટીના ગરબાનું મહત્વ હજુ પણ અકબંધ 1 - image


- ગગનનો ગરબો માતાજીના ચરણોમાં ઝૂકયો..

- વરસાદે વિરામ લેતા શહેરના કુંભારવાડાઓમાં ઈલેકટ્રોનિકસ ચાકડાઓ ધમધમવા લાગ્યા

ભાવનગર : આદ્ય શકિતની સાધના અને આરાધનાના સૌથી લાંબા નવરાત્રિના અનન્ય મહાત્મ્ય ધરાવતા નવલા નવરાત્રિ મહોત્સવના પવિત્ર દિવસોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયેલ છે. ત્યારે ભાવનગર શહેરના રૂવાપરી રોડ, કુંભારવાડા, ગંગાજળીયા તળાવ, કાળીયાબીડ સહિતના અનેક વિસ્તારોમાં કારીગરો દ્વારા માટીના ગરબા બનાવવા માટે ચાકડાઓ ધમધમી રહ્યા છે. ચોમાસાની ઋતુના અંતિમ તબકકામાં મેઘરાજાની મહેર જારી ન રહેતા તડકો નિકળતા વરાપને લઈને ગરબાનું બનાવટકાર્ય હાલ પુરજોશમાં ધમધમી રહ્યુ છે. ડિઝાઈનર ગરબાના આક્રમણ સામે આજની તારીખે પણ સૌરાષ્ટ્રમાં માટીના ગરબાનું મહત્વ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યુ છે.

નવરાત્રિ મહોત્સવ પર્વે માતાજીના સ્થાનકો, મઢ અને મંદિરોમાં વિધિવત ઘટના સ્થાપન બાદ સ્થાપિત કરાતા ગરબાનુું મહત્વ જ કંઈક અનોખુ છે. પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા, કોડીયા,દિવી અને બારેય માસ માટલા સહિતની વસ્તુઓ બનાવવાના વારસાગત વ્યવસાયમાં સામેલ શહેરના ઉપરોકત વિસ્તારોના શ્રમજીવી કુંભાર પરિવારના સભ્યો નવરાત્રિના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે એકાદ માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. નારી આસપાસના અનેક ગામોના છેવાડાના તળાવમાંથી આ શ્રમિકો ચીકણી માટી લાવીને તેને ભારે જહેમત ઉઠાવીને ખુંદવામાં આવે છે. ત્યારબાદ તેને માટીના હાથથી ચલાવાતા અને હવે તો મોટા ભાગના સ્થળોએ ઈલેકટ્રોનિકસ ચાકડા ઉપર માટીના પીંડા મુકીને તેને એક એકથી ચડીયાતા અવનવા ઘાટ આપવામાં આવે છે. માટીકામના કલાકારો પણ તેમની આંગળીના ટેરવે ટીપણીથી ટીપી ટીપીને કોડિયા,ગરબા અને દિવેટીયાને અવનવા મનોહર આકારો આપવામાં મગ્ન બન્યા છે.મોટા ભાગના શ્રધ્ધાળુ પરિવારો શ્રાધ્ધપક્ષના સમાપન બાદ મંગલ મુર્હૂતે પવિત્ર ગરબાની ખરીદી કરશે. વરસાદે વિરામ લેતા માટીના ગરબાઓના ઢગલાઓ હાલ શ્રમિકોના ઘરના ફળીયામાં, ઢાબાઓમાં તડકામાં પાકવા મુકાયા છે. એક અંદાજ મુજબ શહેરમાં વસતા કુંભાર પરિવારના ૧૨૫ થી વધુ શ્રમિક કારીગરો દ્વારા કુલ મળીને અંદાજે ત્રણેક લાખ આસપાસ ગરબાઓ તૈયાર કરાય છે.અત્રે એ નોંધનીય છે કે, કુંભારવાડાના શ્રમિકો દ્વારા તૈયાર કરાતા આ ગરબાની ભાવનગર શહેર અને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારી એવી ડિમાન્ડ જોવા મળી રહેલ છે.તૈયાર ગરબાના હોલસેલ અને રીટેઈલર્સ વિક્રેતાઓ દ્વારા અંદાજે રૂા ૩૦ થી લઈને રૂા ૧૫૦ આસપાસના એક લેખે સાદાથી લઈને ફેન્સી (ડિઝાઈનર)ગરબાઓ ખરીદવામાં આવે છે. કારીગરો અને મહિલાઓની સ્વૈચ્છિક સંસ્થાઓ આ સાદા ગરબા ખરીદી તેને એક એકથી ચડીયાતા ચિત્તાકર્ષક રંગોથી રંગી, વિવિધ રો મટીરીયલ્સના સુશોભન શણગાર કરી વેચાણ માટે મુકે છે. નવરાત્રિના ગરબા,કોડીયા અને દિવેટીયા બાદ રોશનીના મહાપર્વ દિપોત્સવીના પર્વના કોડીયા, માટીના અવનવા રમકડાઓ બનાવવાની પ્રવૃતિમાં કારીગરો સંકળાયેલા રહેશે.

ડિઝાઈનર ગરબાઓ બંગલાની શોભા વધારે છે

રાજયના અન્ય મેટ્રોસીટીમાં માટીના ગરબાની સાથોસાથ અમેરિકન ડાયમંડસવાળા ગરબા અને લાઈટિંગવાળા ગરબા ધૂમ મચાવી રહ્યાં છે. વિવિધ રંગો લગાવીને અવનવા માટીના ગરબા તૈયાર કરાઈ રહ્યાં છે. આ માટીના ગરબા સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાત તેમજ દેશ-વિદેશ પણ મોકલવામાં આવે છે. કેમ કે ત્યાં પણ આવા ગરબાની બોલબાલા છે. ૫૦ રૂપિયાથી લઈને ૪૫૦૦ રૂપિયાની કિંમત  સુધીના કાળી અને પીળી માટીનો ઉપયોગ કરી ગરબો તૈયાર કરાય છે. તેના પર અત્યારે અવનવી ડિઝાઈનના પેટર્નવાળા ગરબા વેચાઈ રહ્યા છે. તેના કોડિયાને પણ અલગ-અલગ રીતે રંગ અને ડિઝાઈન કરાય છે. આવા ચિત્તાકર્ષક ગરબાને અનેક પરિવારો તેમના બંગલા, ટેનામેન્ટમાં ડેકોરેટીવ શોપીસ તરીકે લાઈફટાઈમ જાળવી રાખે છે ત્યારે કેટલાક પરિવારો તો તાંબાના ગરબા પર ડેકોરેટીવ શોપીસ મુકીને સુશોભીત કરીને ઘરના આંગણામાં અથવા તો ગેલેરીમાં ટીંગાડતા હોય છે.


Google NewsGoogle News