દિલધડક ઓપરેશન બાદનો ઘટનાક્રમ, 'હું ટ્રક પાણીમાં નાખું છું, બધું થઈ રહેશે' : ટ્રકમાલિક
- કોળિયાકના ટ્રકમાલિકે જીવના જોખમે ટ્રક પાણીમાં નાંખી યાત્રાળુંઓને બચાવવાની તત્પરતા દર્શાવી
- ઘટનાની સમીક્ષા કરી કોઝ-વેના સ્થાને ઊંચો પૂલ બનાવવા કેન્દ્રિય રાજ્યમંત્રીનું અધિકારીઓને સૂચન
બનાવની વિગત એવી છે કે, કોળિયાક પાસે માલેશ્રી નદીના કોઝ-વે પર પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગયેલ તામિલનાડુના યાત્રાળુઓને હેમખેમ રેસ્ક્યૂં કરવા માટે કોળિયાક ગામના ટ્રક માલિક હુસેનભાઈ સરવૈયાએ ટ્રકની સેવા પુરી પાડી હતી. તેમ કોળિયાકના પૂર્વ સરપંચ જગદીશભાઈ સોલંકીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ટ્રક ડ્રાઈવર મહેબૂબભાઈ સૈયદ ટ્રકની સાથે ગામના ૬-૭ યુવાનોને લઈને ગયા હતા અને બસ સુધી પહોંચ્યા હતા. બસનો કાચ કુહાડી વડે તોડીને યાત્રાળુઓને ટ્રકમાં લવાયા હતા. પરંતુ ટ્રકનું વ્હીલ નીચે ઉતરી જતા ટ્રક નમી ગયો હતો. આથી ટ્રક માલિક હુસેનભાઈ બચાવ કામગીરી માટે ખુદ ટ્રક લઈને જવા તૈયાર થયા હતા. એ વખતે અધિકારીઓ, કર્મચારીઓને ચિંતા હતી. પરંતુ તેમણે સૌની ચિંતા દૂર કરતા કહ્યું હતું કે, 'હું ટ્રક પાણીમાં નાખું છું, કોઈ ચિંતા નહીં, બધું થઈ રહેશે' હુસેનભાઈ ટ્રક લઈને ગયા, તેમની સાથે ગામના યુવાનો અને ફાયર સ્ટાફ જોડાયા હતા. આખરે તમામ યાત્રાળુઓને હેમખેમ કિનારે લાવવામાં સફળતા મળી હતી. જયારે, આ બનાવની કેન્દ્રીય રાજ્ય મંત્રીએ પણ નોંધ લીધી હતી. તેમણે આ મામલે કોળિયાક-નિષ્કલંક મહાદેવ મંદિર માર્ગ પર માલેશ્રી નદીના કોઝ-વે પર બસ ફસાઈ ત્યાં બેઠલું નાળુ હોવાથી ભવિષ્યમાં આ પ્રકારના બનાવનું પૂનરાવર્તન ન થાય તે માટે દિલ્હીથી ભાવનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી ઘટનાની સમીક્ષા કરી કોઝ-વેના સ્થાને ઊંચો પૂલ બનાવવાનું આયોજન કરવા જણાવ્યું હતું.
ભાષા ન સમજતાં યાત્રાળુંઓ બચાવકર્તાઓની લાગણીમાં તણાયાં
કોળિયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના દર્શન કરી ભાવનગર પરત ફરી રહેલી તામિલનાડુંના ૨૭ સહિત ૨૯ યાત્રાળુંઓ સાથેની ખાનગી બસ માલેશ્રી નદીના કોઝ-વે પરથી પૂરઝડપે ધમસમસતાં પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. તેમને બચાવવા માટે સતત આઠ કલાક અલગ-અલગ રીતે અલગ-અલગ ટીમ દ્વારા રેસ્ક્યૂં કામીગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, યાત્રાળુંઓ અને બચાવકર્તાઓની ભાષા એકબીજાથી તદ્દન અલગ હોવાથી બન્ને એકબીજાની ભાષાથી અજાણ હતા. છતાં બચાવકર્તાઓ દ્વારા ઈશારા, હાવભાવથી સમજાવવાની રીત અને લાગણીસભર વ્યવહાર તમામ યાત્રાળુંઓના હૃદયને સ્પર્શી ગયો હતો. ધમસમસતાં પાણીમાંથી ઉગરી ગયેલાં યાત્રાળુંઓ બચાવકર્તાઓની લાગણીમાં ભીંજાઈ ગયા હતા.
સવારે મંદિરે ગયા ત્યારે કોઝ-વે પર પાણી ન હતું, ધસમસતાં પ્રવાહની કલ્પના જ ન હતી : ડ્રાઈવર
માલેશ્રી નદીના કોઝ-વે પરથી પૂરઝડપે ધમસમસતાં પાણીના પ્રવાહમાં ફસાયેલી ખાનગી બસના ડ્રાઈવરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સવારે જયારે બસ લઈને કોળિયાક નિષ્કલંક મંદિરે ગયા હતા ત્યારે કોઝ-વે પર પાણી ન હતી. પરંતુ, પરત ફરતી વળતી વખતે સાંજનો સમય હોવાની સાથોસાથ નાળા પરથી પૂરઝડપે પાણીનો ધસમસતો પ્રવાહ જતો હશે તેની કલ્પના જ ન હોવાથી બસ પાણીમાં ઉતારી હોવાની કબૂલાત આપી હતી. જો કે, સદ્દનસીબે તેમની સહિત બસમાં સવાર તમામના આબાદ બચાવ બદલ તેમણે સ્થાનિક પ્રશાસન અને સ્થાનિકોનો આભાર માન્યો હતો.
યાત્રાળુઓ વિવિધ રાજ્યોની યાત્રા કરીને કોળિયાક આવ્યા હતા
ભાવનગર જિલ્લાના પૌરાણિક તીર્થધામ ભગવાન નિષ્કલંક મહાદેવ મંદિરના દર્શન કર્યા બાદ ભાવનગર તરફ આવી રહેલી તામિલનાડુના ૨૭ યાત્રાળુ અને ડ્રાઈવર-ક્લીનર ભરેલી સ્પેશિયલ બસ કોળિયાક-નિષ્કલંક મહાદેવ મંદિર વચ્ચેના માર્ગ પર આવેલ માલેશ્રી નદીના કોઝ-વે પર પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા હતા. જેને ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ યાત્રાળુઓના જણાવ્યા પ્રમાણે તેઓ વિવિધ રાજ્યોમાં યાત્રા-પ્રવાસ કરતા-કરતા કોળિયાક આવ્યા હતા. તેમ આર.એ.સી. એન.ડી. ગોવાણીએ જણાવ્યું હતું.
યાત્રાળુઓને ઉતારો અપાયો, મેડિકલ ચેક-અપ કરાયું
૮ કલાક સુધી પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલા રહેલા ડ્રાઈવર-ક્લીનર અને ૧૯ મહિલા, ૮ પુરૂષ સહિત ૨૯ યાત્રાળુનો દિલધડક રેસ્ક્યુ ઓપરેશનમાં આબાદ બચાવ થયો હતો. હેમખેમ બહાર લવાયા બાદ તમામ યાત્રાળુઓને પોલીસની બસમાં ભાવનગરના કાળિયાબીડમાં આવેલ કડવા પાટીદાર સમાજની વાડીમાં ઉતારો આપવામાં આવ્યો હતો.જ્યાં તેમનું તબીબોની ટીમ દ્વારા મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રાળુઓનો સામાન બસમાં રહી ગયો હોવાથી તેમના માટે કપડાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.