Get The App

કેમિકલ ફેક્ટરીમાં ભિષણ આગ, ચિફ ફાયર ઓફિસર સહિત 7 દાઝ્યા

- રાજકોટના આજી જીઆઈડીસીમાં સ્થિત

- પાંચેક કલાક બાદ આગ કાબુમાં આવીઃ ટેન્કરમાંથી જ્વલનશીલ કેમિકલ બેરલમાં ઠલવતી વખતે ભભૂકેલી આગ

Updated: Oct 10th, 2019


Google NewsGoogle News

- કેમિકલના બેરલો ધડાકા સાથે ફાટતા આસપાસના વિસ્તારમાં ભયનું લખલખું

કેમિકલ ફેક્ટરીમાં ભિષણ આગ, ચિફ ફાયર ઓફિસર સહિત 7 દાઝ્યા 1 - image

રાજકોટ, તા. 10 ઓક્ટોમ્બર 2019, ગુરુવાર

રાજકોટના આજી જીઆઈડીસીમાં સ્થિત મેસ્કોટ ઈન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેક્ટરીમાં આજે બપોરે ટેન્કરમાંથી કેમિકલ બેરલમાં ઠલવાતું હતું ત્યારે ભભૂકી ઉઠેલી આગે ભિષણ સ્વરૂપ ધારણ કરી સમગ્ર ફેક્ટરીને ઘેરી લેતા અફડાતફડી મચી ઈ હતી. ફેક્ટરીમાં કામ કરતો મજૂર અને ટેન્કર ચાલક જીવ બચાવીને ભાગ્યા હતા. જીવના જોખમે આગ બુઝાવી રહેલા ચિફ ફાયર ઓફિસર અને છ ફાયરમેનો ઘૂમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી અને દાઝી જતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ભિષણ આગ પાંચેક કલાક બાદ કાબુમાં આવી હતી. આમ છતાં જે ટેન્કરમાંથી આગ લાગી તેમાં હજુ જ્વલનશીલ કેમિકલ ભરેલુ હોવાથી ફાયર ફાયટરોને આગામી ૨૪ કલાક સુધી સ્ટેન્ડ ટુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગને કારણે ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ કેમિકલ ભરેલા બેરલો બોમ્બની જેમ ફાટતા જોરદાર ધડાકાના અવાજથી આસપાસના કારખાનેદારો અને લોકોમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું.

ફાયર બ્રિગેડમાં આજે બપોરે ત્રણ વાગ્યે મેસ્કોટ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાનો કોલ આવ્યો હતો. આ ફેક્ટરીમાં કલર અને ઈંકમાં વપરાતું કેમિકલ બને છે. જે પેટ્રોલીયમ પેદાશોથી પણ અનેકગણું વધુ જ્વલનશીપ હોય છે તેમ ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.

ફાયર બ્રિગેડના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે શાપરની વીએના નામની કેમિકલ ફેક્ટરીમાંથી મેસ્કોટ ઈન્ડસ્ટ્રીઝમાં ટોલ્વીન નામનાં કેમિકલનો પાંચ ટન જથ્થો મોકલાયો હતો.

બપોરે ફેક્ટરીનાં કમ્પાઉન્ડમાં એક મજૂર ચાલક સાથે ટેન્કરમાંથી બેરલમાં આ કેમિકલ ઠલવતો હતો ટેન્કરના ગરમ સાયલેન્સરની બાજુમાં જ તેનો વાલ્વ હતો. સાયલેન્સરની હીટ અને કેમિકલની વરાળ સંપર્કમાં આવતા આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે.

આગે જોતજોતામાં ભિષણ સ્વરૂપ ધારણ કરી લેતા ટેન્કરમાંથી કેમિકલ ઠલવતો મજૂર અને ચાલક ટેન્કરનો વાલ્વ બંધ કર્યા વગર જીવ બચાવીને ભાગ્યા હતા. તેમને ત્યાં પડેલા ફાયર સેફ્ટીના સાધનો પણ ઓપરેટ કરવાનો સમય મળ્યો ન હતો. જોતજોતામાં આગે સમગ્ર ફેક્ટરીને ઘેરી લીધી હતી. ત્યાં રખાયેલા ઈથાઈલ એસીટેટ, ટોલ્વીન, પિગમેન્ટ ટીટાનીયમ અને રેઝીન નામના જ્વલનશીલ કેમિકલના બેરલ સુધી આગ પહોંચતા આ તમામ બેરલ બોમ્બની જેમ ફાટયા હતા.

ભિષણ આગને કારણે જોતજોતામાં સમગ્ર ફેક્ટરી આગની જ્વાળાઓથી ભડભડ સળગી ઉઠી હતી. આસપાસનાં સમગ્ર વિસ્તારમાં ઝેરી ધૂમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા. કેટલાક કિ.મી. દૂર સુધી આગના લબકારા અને ધૂમાડા જોઈ શકાતા હતા.

ફાયર બ્રિગેડે આ કોલને 'બ્રિગેડ' કોલ જાહેર કર્યો હતો. તમામ ફાયર સ્ટેશનોથી ફાયરમેનો ઉપરાંત ચિફ ફાયર ઓફિસર ઠેબા, સ્ટેશન ઓફિસર અમિતભાઈ દવે ૧૫ ફાયર ફાયટરો સાથે સ્થળ પર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે જીવના જોખમે આગના લબકારા પાણીનો અને લિક્વીડ ફોમનો મારો ચલાવી કાબુમાં કરવાના પ્રયાસો કર્યા હતા જે દરમિયાન ઝેરી ધૂમાડા શ્વાસમાં જતા ગભરામણ થતા અને દાઝી જતા ચિફ ફાયર ઓફિસર ઠેબા અને છ ફાયરમેનો દાઝી જતા ભાગદૌડ મચી ગઈ હતી. તમામને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું કે આગને કારણે કેમિકલ ભરેલું ટેન્કર પણ સળગી ગયું હતું. ફાયર બ્રિગેડનો સ્ટાફ ઉપરાંત મામલતદાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદાર, ટીડીઓ, ડીડીઓ, ડે. કલેક્ટર, ડે. કમિશનર, ડીઝાસ્ટર મેનેજમેન્ટના ડીપીઓ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

રાત્રે નવ વાગ્યા સુધીમાં

અઢી લાખ લીટર પાણી, 5 હજાર લીક્વીડ ફોમનો ઉપયોગ

ફેક્ટરીનાં મજૂરોએ મુઠ્ઠીઓ વાળતા બચ્યા

મેસ્કોટ ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડ અઢી લાખ લીટર પાણીનો અને પાંચેક હજાર લીટર લીક્વીડ ફોમનો ઉપયોગ કર્યો હતો. આ આગને 'બ્રિગેડ' કોલ જાહેર કરાયો હતો જેમાં તમામ ફાયર સ્ટેશનોના અધિકારીઓ ઉપરાંત ફાયરમેનો અને વહીવટી તંત્ર, ડીઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓને સ્થળ પર પહોંચવાનું હોય છે. ૧૦૦ ફાયરમેનો અને અધિકારીઓને આગ બુઝાવવાની કામગીરીમાં લગાડાયા હતા.

દરેક ફાયર ફાયટરોએ ચારથી પાંચ, પાંચ ફેરા કરવા પડયા હતા.  આગ લાગતા ટેન્કરમાંથી કેમિકલ ઠલવતો મજૂર અને ચાલક  મુઠ્ઠીઓ વાળીને ભાગતા જીવ બચી ગયો હતો. જે ફેક્ટરીમાં આગ લાગી તેની  બાજુમાં જ તેના બે યુનિટ છે. જ્યાંથી આગ લાગી તે ફેક્ટરીમાં કેમિકલ  ટેન્કરમાંથી ઠલવવાનું હોય ત્યારે જ માણસો મોકલાય છે. પરિણામે આજે  પણ જ્યારે આગ લાગી ત્યારે ફેક્ટરીમાં એક મજૂર અને ટેન્કર ચાલક મળી  બે જણા હાજર હતા.

સિવીલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ ફાયરબ્રિગેડના કર્મચારીઓ

આગથી દાઝી જતા અને ઝેરી ધૂમાડો શ્વાસમાં જતા ગભરામણ થવાથી ચિફ ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબા (ઉ.વ. ૪૯, રહે. ગીતાનગર-૭), છ ફાયરમેનો ઈદરીશ હારૂન રાઉમા (ઉ.વ. ૨૬, રહે. જંગલેશ્વર), મેહુલ ભગવાનજી જીંજુવાડીયા (ઉ.વ. ૨૭, રહે. નવાગામ), હરેશ હિમાભાઈ શિયાળ (ઉ.વ. ૩૪, રહે. લુણીવાવ, તા. ગોંડલ), શૈલે, કાંતિભાઈ ખોખર (ઉ.વ. ૪૫, રહે. કનકનગર-૪), શૈલેષ શંકરભાઈ મેર (ઉ.વ. ૨૬, રહે. કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ) અને સંજય દિપાભાઈ જાદવ (ઉ.વ. ૨૯, રહે. કનકનગર રોડ, ફાયર સ્ટેશન)ને ખાનગી અને સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.


Google NewsGoogle News