For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે લોકશાહીનું મહાપર્વ : ભાવનગર બેઠક પર 19.16 લાખ મતદાર 13 ઉમેદવારના બનશે ભાગ્યવિધાતા

Updated: May 7th, 2024

આજે લોકશાહીનું મહાપર્વ : ભાવનગર બેઠક પર 19.16 લાખ મતદાર 13 ઉમેદવારના બનશે ભાગ્યવિધાતા

- નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

- સવારે 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન ભાવનગર બેઠકના 1965 મતદાન મથક પર 9,93,920 પુરૂષ, 9,22,940 સ્ત્રી તથા 40 અન્ય મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ : તમામ મથકો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત

ભાવનગર : દેશમાં ચાલી રહેલાં લોકશાહીના મહાપર્વ સમા લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આવતીકાલ તા.૭ને મંગળવારના રોજ ભાવનગર લોકસભા બેઠક પર સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી મતદાન પ્રક્રિયા યોજાશે. જ્યાં નોંધાયેલા ૧૯.૧૬ લાખથી વધુ મતદારો આ બેઠક પર ઉમેદવારી કરનાર ૧૩ ઉમેદવારો પૈકી કોઇ એક ઉમેદવારને પોતાનો અમૂલ્ય મત આપશે. બીજી તરફ, નિર્વિઘ્ને અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ છેલ્લી ઘડીના આયોજન અને વ્યવસ્થાપનને આખરી ઓપ આપ્યો હતો.

ગોહિલવાડ પંથક તરીકે ઓળખાતી અને ક્ષત્રિય મતદારોની નોંધપાત્ર સંખ્યા ધરાવતી ભાવનગર લોકસભા બેઠક પર આવતીકાલ તા.૭ને મંગળવારના રોજ મતદાન પ્રક્રિયા થશે. ભાવનગર લોકસભા બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી-કોંગ્રેસના ગઠબંધન ઇન્ડિયાના ઉમેદવાર સહિત વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મળી કુલ ૧૩ ઉમેદવારોએ આ ચૂંટણી જંગમાં ઝુંકાવ્યું છે. જોકે, આ વખતે ભાવનગર લોકસભા બેઠક પર ભાજપે સતત બે ટર્મ પૂર્વ મેયર રહેલાં નિમુબેન બાંભણીયાને ટિકિટ આપી છે સામા પક્ષે ઇન્ડિ. ગઠબંધને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને મેદાને ઉતાર્યા છે. બહુમત કોળી મતદારો ધરાવતી આ બેઠક પર જ્ઞાાતિ સમિકરણના આધારે બન્ને પક્ષે કોળી જ્ઞાાતિના ઉમેદવારને ટિકિટ આપતા આ વખતની ચૂંટણી જ્ઞાાતિ સમિકરણ મુજબ રોચક બની છે.

 તો આ તરફ ભાવનગર જિલ્લાની પાંચ વિધાનસભા અને બોટાદ જિલ્લાની બે મળી કુલ સાત વિધાનસભાની બનેલી ભાવનગર લોકસભા બેઠક પર કુલ ૧૯,૧૬,૯૦૦ મતદારો નોંધાયા છે જેમાં ૯,૯૩૯૨૦ પુરૂષ તથા ૯,૨૨,૯૪૦ સ્ત્રી મતદારો જ્યારે અન્ય મતદારો ૪૦ નોંધાયા છે. જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ૨૩ એપ્રિલ, ૨૦૧૯ના રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પર સરેરાશ ૫૮.૮૯ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર ડો.ભારતીબેન શિયાળ કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ સામે ૩.૨૯ લાખ મતોની સરસાઇથી વિજયી થયા હતાં. મતદાનના આ દિવસે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયું હતું જેની સીધી અસર મતદાન પર પણ થઇ હતી. એક અંદાજ મુજબ આ દિવસે પડેલી ગરમીના કારણે રાજકીય પક્ષો અને જિલ્લા ચૂંટણી તંત્રની ધારણાથી ઓછું મતદાન નોંધાયું હતું જેની સરખામણીએ આવતીકાલ તા.૭ના રોજ યોજાનાર મતદાનના દિવસે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે અને મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર જવાની શક્યતા છે તેવામાં મતદાન ગત ચૂંટણીની સરખામણીએ ઓછું થવાની બન્ને મુખ્ય રાજકીય પક્ષોને ચિંતા સતાવી રહી છે. આ પણ અધુરૂ હોય તેમ આ વખતે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ વિવાદીત ટિપ્પણી કરતાં સમગ્ર સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાનની જાહેરાત કરી છે. જેના કારણે ભાજપની ચિંતા બેવડાઇ હોવાની ચર્ચા પણ બળવત્તર બની છે. આ વખતે ભાજપ વિરૂદ્ધ ક્ષત્રિય સમાજના આંદોલનને લઇ સ્ત્રી મતદારોનું મતદાન વધે તેવી એક શક્યતા પણ નકારી શકાતી નથી. જો કે, આ રાજકીય પરિસ્થિતિના કારણે આ વખતે રાજકીય માહોલ થોડો ગરમાયો છે. જો કે, જિલ્લા ચૂંટણી તંત્રએ આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે પ્રારંભથી જ પ્રયાસો આદર્યાં છે જે માટે તંત્ર દ્વારા તબક્કાવાર મતદાન જાગૃતિને લગતાં વિવિધ કાર્યક્રમો સહિતનું આયોજન કર્યું હતું. આ વખતે જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને મહત્તમ મતદાનની અપીલ કરતાં અવસર લોકશાહીનો, મારા ભારતનો સૂત્ર જાહેર કર્યું છે.

જ્યારે આ તરફ આ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આવતીકાલ તા.૭ મેને મંગળવારે સવારે ૭થી સાંજના ૬ કલાક સુધી કુલ ૧૯૬૫ મતદાન મથકો પર મતદાન યોજાશે જેના પર ૧૦,૬૨૫ કર્મચારી ફરજ બજાવશે. તમામ મથકો પર પોલીસ બંદોબસ્ત ઉપરાંત, સીએપીએફની ટુકડી તૈનાત રહેશે. જ્યારે મતદારો સરળતાથી મતદાન મથક શોધવાથી લઇ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર દ્વારા મતદાન સ્લીપથી લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. જો કે, આ વખતે ૫૦૩ મતદાન મથકો સંવેદનશીલ જાહેર થયા છે જેના પર તંત્રએ વિશેષ તકેદારી રાખી છે. જ્યારે દિવસના અંતે નિર્વિઘ્ને અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયા બાદ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇવીએમને સ્ટોંગ રૂમમાં મૂકવામાં આવશે જેની આગામી તા.૪ જૂનના રોજ મત ગણતરી હાથ ધરાશે.

Gujarat