મિની તરણેતર: ખંભાળિયામાં શિરેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજથી ભવ્ય લોકમેળો
- ત્રિદિવસીય રંગ પાંચમનો મેળો માણવા હજારોની જનમેદની ઉમટી પડશે
ખંભાળિયા,તા.11 સપ્ટેમ્બર 2018, મંગળવાર
મિની તરણેતરનાં મેળા જેવા પ્રખ્યાત ખંભાળિયા તાલુકા માટે મનોરંજનની આગવી ઓળખ સમાન શ્રી શિરેશ્વર મહાદેવ મંદિર શક્તિનગર ખાતે ત્રિદિવસીય લોકમેળો દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ, પાંચમનાં યોજવામાં આવે છે.
આ વર્ષે પણ આ લોકમેળો તા.12થી તા.14 સપ્ટેમ્બર સુધી યોજવામાં આવ્યો છે. શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આયોજીત આ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે.
ખંભાળિયા નજીક આવેલા શક્તિનગર વિસ્તારમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ ચોથ પાંચમનાં યોજાતા શિરૂતળાવના લોકમેળા મીની તરણેતરના મેળા જેવી ખ્યાતિ પામ્યા છે. રંગ પાંચમનાં આ લોકમેળાને ખંભાલિયા ઉપરાંત સમગ્ર જીલ્લાની મેળા શોખીન જનતા મનભરીને માણે છે.
શિરેશ્વર મહાદેવના મંદિરના વિશાળ પટાંગણમાં યોજાતા આ લોકમેળામાં સૌરાષ્ટ્ર-ગુજરાતભર માંથી વિવિધ પ્રકારના મનોરંજનના સાધનો, ફજેત ફાળકા, રમકડા તથા ખાણી પીણીના વિક્રેતાઓ આવે છે. જેનો લાભ આ પંથકની જનતા મોડી રાત્રી સુધી લ્યે છે.
બુધવાર તા.૧૨મીથી તા. 14મી સુધી યોજાયેલા શિરૂતળાવના આ લોકમેળાનું ઉદઘાટન આવતીકાલે બુધવારે થનાર છે. જેમાં જીલ્લાના આગેવાનો-હોદેદારો ખાસ ઉપસ્થિત રહેશે. આ લોકમેળા માટે ઠેર-ઠેરથી આવેલી વિવિધ રાઈડઝ તથા આકર્ષક સ્ટોલની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
ખંભાળિયામાં વર્ષોથી યોજાતા રામનાથ તથા ખામનાથના શ્રાવણી લોકમેળાઓ છેલ્લા ચારેક વર્ષથી થતા નથી, ત્યારે આ શિરૃતળાવના લોકમેળાને માણવા માટે જનતામાં થનગનાટ જોવા મળે છે. આ લોકમેળા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તલાટી દ્વારા નોંધપાત્ર કવાયત હાથ ધરવામાં આવી રહી છે.