સોનગઢ ગુરૂકુળના ચોકીદારનો પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
સોનગઢ ગુરૂકુળના ચોકીદારનો પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો 1 - image


- ચોકીદાર રૂમની બાજુમાં ઘૂસી હત્યારાઓએ ઢીમ ઢાળી દીધું

- ભાવનગર હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો, રબારી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા, ઘટનાને ૨૪ કલાકનો સમય થવા છતાં હત્યારાની ઓળખ કે સગળ ન મળ્યા

સિહોર : સિહોર તાલુકાના સોનગઢ ગામે આવેલી ગુરૂકુળ શાળામાં ચોકીદારને તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. ચોકીદારનું પલંગમાં જ ઢીમ ઢાળી દેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી. બનાવને લઈ મૃતકના પરિવારજનો અને રબારી સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ભાવનગર હોસ્પિટલ દોડી આવી હત્યારાઓને ઝડપી ન લેવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને સમજાવટ બાદ બપોરે લાશને સ્વીકારી અંતિમ સંસ્કાર માટે સોનગઢ લઈ જવામાં આવ્યા હતા.

ચકચાર મચાવનારી ઘટના અંગે મળતી વિગત મુજબ સિહોરના સોનગઢ ગામે શિક્ષક લાઈન, દયાનંદ કન્યા વિદ્યાલય સામે રહેતા રઘુભાઈ અરજણભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫)ના નાનાભાઈ રઘુભાઈ અરજણભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫) ગઈકાલે સોનગઢ ગુરૂકુળ શાળામાં ચોકીદાર તરીકેની નોકરીએ હતા. ત્યારે સાંજના ૭-૩૦થી ૯-૧૫ કલાક વચ્ચેના કોઈપણ અરસામાં કોઈ અજાણ્યા શખ્સોએ આવી ચોકીદાર રૂમની બાજુમાં ઢાળેલા પલંગ પર રઘુભાઈ ચૌહાણ ઉપર ધારધાર હથિયારોના આડેધડ ઘા મારી શરીર અને માથાના ભાગે ઈજા પહોંચાડી ખૂન કરી હત્યારા નાસી ગયા હતા. આ બનાવની જાણ થતાં બાદ મૃતકને પ્રથમ સિહોર અને ત્યારબાદ પેનલ પીએમ માટે ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચોકીદારની હત્યાના ઘેરા પડઘા રબારી સમાજમાં પડયા હતા અને હાંકલ બાદ સવારે સમાજના આગેવાનો, યુવાનો સહિતનાઓએ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવી મૃતકને ન્યાય અપાવવા અને હત્યારાઓને તાત્કાલિક ઝડપી પાડવાની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો નનૈયો ભણી દીધો હતો. જો કે, આખરે સમજાવટ બાદ બપોરે રઘુભાઈ ચૌહાણના મૃતદેહને સ્વીકારી અંતિમવિધિ માટે સોનગઢ ગામે લઈ જવામાં આવ્યો હતો. ઘટના અંગે મૃતકના ભાઈ રઘુભાઈ ચૌહાણે અજાણ્યા હત્યારાઓ સામે  સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨, જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ મહિલા પીએસઆઈ ડી.વી.ડાંગરે હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, શાળાની અંદર ઘૂસી ખેલાયેલા ખૂની ખેલની ઘટનાને ૨૪ કલાક જેટલો સમય થવા છતાં હત્યારાની ઓળખ કે સગળ મળી શક્યા ન હતા.


Google NewsGoogle News