બેફામ ઝડપે દોડતી કારે છકડો રિક્ષાને ઠોકર મારતાં ચાલકનું મોત
- દ્વારકા - સોમનાથ હાઇ-વે પર રતનપર નજીક
- અકસ્માતમાં બન્ને વાહનો પલ્ટી ખાઇ ગયાં
પોરબંદર : દ્વારકા -સોમનાથ નેશનલ હાઇ-વે પર પોરબંદરના રતનપર નજીક બેફામ સ્પીડમાં કાર ચલાવતા ઈસમે છકડો રિક્ષા ને પાછળથી ઠોકર મારતા રાણાવાવ રહેતા રીક્ષા ચાલકનું મોત નીપજ્યું છે.
રાણાકંડોરણા ગામે રહેતા અને નાસ્તાની લારી ચલાવતા લાલજીભાઈ ભુવા પોતાના રાણાવાવ ખાતે ગોપાલ પરામાં રહેતા ભાઈ પ્રેમજીભાઈ મનજીભાઈ ભુવા (ઉંમર વર્ષ ૪૯)નું અકસ્માતે મોત નીપજયાનો ગુનો નોંધાવ્યો છે જેમાં જણાવ્યું છે કે તેના ભાઈ પ્રેમજીભાઈ રાણાવાવ થી માધવપુર ખાતે રિક્ષાનો ફેરો કરવા માટે જતા હતા. ત્યારે રતનપરના પાટીયા પાસે પાછળથી ફૂલ સ્પીડે આવતી કારના ચાલકે છકડો રીક્ષા ને ઠોકર મારી દેતા રિક્ષા અને કાર બંને પલટી ખાઈને નીચે પડી ગયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રીક્ષા ચાલક પ્રેમજીભાઈ ભુવાનું મોત થયું હતું.