બ્રેક ડાઉન થયેલા ટ્રક પાછળ મિનિ ટ્રક ઘૂસી જતાં ચાલકનું કરૂણ મોત
માળિયા ત્રણ રસ્તા બ્રિજ પાસે
અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ નોંધાઇ માળિયામિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
મોરબી: માળિયા ત્રણ રસ્તા બ્રીજ નજીક મીની ટ્રક ચાલક પોતાનં વાહન લઈને પુરઝડપે જતો હોય ત્યારે બ્રેક ડાઉન થયેલ ટ્રક ટ્રેઇલર પડયું હોય જેની પાછળ ઘુસી જતા ચાલકનું મોત થયું હતું. જે બનાવ મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મુન્દ્રાના રહેવાસી યુવરાજસિંહ ભુરૂભા ઝાલાએ ટ્રક ચાલક જયંતીભાઈ નથુભાઈ (રહે. રતાડીયા તા. નખત્રાણા કચ્છ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત તા. ૧૮ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યે ટ્રક લઈને ડ્રાઈવર શેરસિંગ દર્શનસિંગ માન ટ્રકમાં ખાલી કન્ટેનર લોડ કરવા વાંકાનેર જવા નીકળ્યા હતા. અને તા.૧૯ જુનના રાત્રીના એકાદ વાગ્યે ટ્રકના ડ્રાઈવરનો ફોન આવ્યો હતો કે માળિયા ત્રણ રસ્તા પાસે ઓવરબ્રિજ ચડતા આગળ એક ટ્રક જતો હોય. જે ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા ફરિયાદીના ટ્રક ડ્રાઈવરે બ્રેક મારતા બ્રેક લાગી તેટલામાં ટ્રક આગળના ઠાઠામાં અથડાયો હતો અને તેને સામાન્ય ઈજા થઇ હતી. જેથી તેને નજીકની હોસ્પીટલમાં સારવાર માટે જવાનું કહ્યું હતું અને ફરિયાદી મુન્દ્રાથી માળિયા બનાવવાળી જગ્યાએ જવા નીકળ્યા હતા.
રાત્રીના ચારેક વાગ્યે સ્થળ પર પહોંચતા જોયું તો ટ્રક ઓવરબ્રિજ ચડતા કચ્છથી મોરબી જતા રોડ પર અકસ્માત થયેલ પડી હતી. જ્યાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે આગળની ટ્રક અકસ્માત થયેલ હાલતમાં બ્રેક ડાઉન પડી હોય અને રાત્રીના ત્રણેક વાગ્યે ટ્રક ટ્રેઇલરના ઠાઠામના એક ટ્રકના ડ્રાઈવરે તેની ગાડી ભટકાડી હતી અને ડ્રાઈવરને ઈજા પહોંચી હતી ફરિયાદીના ડ્રાઈવરને ફોન કરતા તે માળિયા હોસ્પિટલ હોવાનું જણાવ્ય હતું. અને માહિતી આપી હતી કે ટ્રક અકસ્માત થતા ત્યાંથી પસાર થતા વાહનમાં સારવાર માટે હોસ્પિટલ આવ્યો હતો. તપાસ કરતા તે ચાલકને સારવાર માટે લાવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. જે વાહનચાલક જયંતીભાઈ નથુભાઈ (ઉ.વ.૪૨, રહે. રતાડીયા તા. નખત્રાણા) હોવાનું જાણવા મળ્યું હતું.
ચાલકે ટ્રક બ્રેક ડાઉન પડેલ હોય જેની પાછળ ભટકાડતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.