Get The App

દિહોરથી વરલને સાંકળતા રોડની બિસ્માર હાલતથી વાહનચાલકો ત્રાહિમામ

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
દિહોરથી વરલને સાંકળતા રોડની બિસ્માર હાલતથી વાહનચાલકો ત્રાહિમામ 1 - image


- રોડની દુર્દશાને લઈને બરવાળા ડેપોએ ચાર ટ્રીપ બંધ કરી દીધી 

- જયા વર્ષોથી ડબલપટ્ટી રોડની તાતી આવશ્યકતા છે ત્યાં સિંગલ પટ્ટીના પણ ઠેકાણા નથી

દિહોર : તળાજા તાલુકાના દિહોર ગામથી સિહોર તાલુકાના વરલ ગામ સુધીનો રોડ લાંબા સમયથી તદ્રન બિસ્માર હાલતમાં થઈ ગયો છે. આ રોડની ભંગાર હાલતથી સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવાનો વખત આવ્યો છે. સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉદાસીનતાથી જયાં ડબલ પટ્ટી રોડની તાતી આવશ્યકતા છે ત્યાં સીંગલપટ્ટી રોડના પણ ઠેકાણા નથી.

દિહોર અને વરલને સાંકળતો આ રોડ ભાવનગર જિલ્લાના બે મહત્વના તાલુકા મથક તળાજા અને સિહોરને જોડતો અત્યંત મહત્વનો મુખ્ય માર્ગ છે આ રોડ પર મહુવા, તળાજા અને સિહોર રૂટના હજજારો વાહનો ૨૪ કલાક સતત અવરજવર કરતા હોય છે. પરંતુ આ રોડની દુર્દશાથી વાહનચાલકો તોબા પોકારી રહ્યા છે.  બિસ્માર રોડને કારણે તાજેતરમાં મહુવા અને બરવાળા વચ્ચે ચાલતી સવારની બે અને સાંજની બે મળી કુલ ચાર એસ.ટી.બસની ટ્રીપ એકાએક બંધ થઈ ગઈ છે. બરવાળા ડેપો દ્વારા ચાલતી આ એસ.ટી.બસમાં બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ મુસાફરો અવરજવર કરતા હતા પરંતુ ખરાબ રોડના કારણે વારંવાર બસ બ્રેકડાઉન થઈ જતી હોય આથી બરવાળા ડેપોના સંચાલકોએ જ બધી જ બસ સેવા બંધ કરી દીધી હતી. આ રોડ ઉપર હાલમાં મહુવા, તળાજા, ભાવનગર તેમજ તળાજા રબારિકા એમ ગણીગાંઠી બેથી ચાર બસ જ હાલ કાર્યરત છે. તેના ડ્રાઈવર પણ આ રૂટની બિસ્માર હાલતથી કંટાળી જાય છે. તેમ છતાં મુસાફરોની મુશ્કેલીઓ નિવારવા તંત્ર મને કમને આ બસ શરૂ રાખી રહ્યા છે. દિહોર વરલ રોડ ઉપર અલંગ-ટાણા-સિહોર રૂટના ભારે ટ્રક પણ આવજા કરે છે. આથી આ રોડને ડબલપટ્ટી કરવાની ખાસ જરૂરત જણાઈ રહેલ છે. દિહોર આસપાસના ઘણા રોડ ડબલપટ્ટી થયા પરંતુ દિહોરથી વરલ રામગઢના સીમાડા સુધીનો રોડ જ સીંગલપટ્ટી રહી ગયો છે. હાલમાં તો આ રોડ ઉપર દસથી વીશ ફૂટ લાંબા પહોળા અને ફૂટથી પોણો ફુટ ઉંડા ખાડાઓ પડી ગયા છે. જેથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. શિયાળો, ઉનાળો બાદ લોકસભાની ચૂંટણી પણ પુરી થઈ પણ આ રોડનું કામ વિલંબમાં પડયુ છે. હવે તો ચોમાસાના બહાને પણ આ રોડ રીપેર નહિ થાય.વાહનચાલકોને હજુ પણ પાંચેક મહિના રોડના ખાડા ઠેકવા પડશે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.


Google NewsGoogle News