'અપહરણ'ના કાલથી પોલીસે ત્રણ બાળમુનીના કાફલાને અટકાવ્યો, વાલી જ લેવા આવ્યાનું ખુલ્યું
- પાલિતાણા નજીકથી 3 બાળ જૈનમુનીના અપહરણનો કાલ આવતાં ભાવનગર પોલીસ દોડતી થઈ
- સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો આખરે અપહરણની વાત ખોટી હોવાનું જણાતા પોલીસે તમામને મુક્ત કર્યા
સમગ્ર બનાવ અંગેની ઉપલબ્ધ પ્રાથમિક વિગત એવી છે કે, ગઈકાલ તા.૨૮ના રોજ સવારના સુમારે ભાવનગર જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનને એવો કોલ મળ્યો હતો કે, પાલિતાણા નજીકથી વિહાર કરતાં બે સાધુ અને એક સાધ્વીજી બાલ જૈનમૂનિનું અપહરણ થયંુ છે. અને તેઓ સોનગઢ બાજુ આવી રહ્યા છે. જેને લઇ પોલીસ સ્ટાફ સતર્ક થઇ ગયો હતો. દરમિયાનમાં ત્રણ બાળમૂનિ સાથે એક સમૂહ પસાર થથાં પોલીસે તમામને અટકાવ્યા હતા અને પૂછપરછ અર્થે સોનગઢ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.
ઉક્ત ઘટનાક્રમને સમર્થન આપતાં પાલિતાણાના ડીવાય.એસ.પી. મીહિર બારીયાએ જણાવ્યું કે, પોલીસ સ્ટેશને લાંબી અને સઘન પૂછપરછના અંતે એવી વિગત બહાર આવી હતી કે ત્રણેય બાળ જૈનમૂનિ વિહાર કરતા હતા. તેમને તેમના જ માતા-પિતા કે જેઓ પણ જૈનાચાર્ય છે તેઓ અન્યત્ર રહેતા હોવાથી બાળકોને તેમની સાથે લઇ જવા આવ્યા હતા. તેમની સાથેના લોકો સાંસારિક જીવન દરમિયાનના પરિવારજનો તથા શ્રાવકો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હતં તેમ ડીવાય.એસ.પી.એ વિગતો આપતાં ઉમેર્યંુ હતું.
તેમણે જણાવ્યું કે, લાંબી પૂછપરછના અંતે સમગ્ર ઘટનામાં અપહરણ થયું જ ન હોવાનું ફલિત થયું હતું અને ત્રણ બાળ જૈનમૂનિ તેમના પરિવાર સાથે વિહાર કરી આ રહ્યા હોવાનું પ્રતિપાદિત થતાં તમામને મુક્ત કરાયા હતા. જ્યારે, આ મામલે ગઈકાલ મોડીરાત સુધી સોનગઢ પોલીસને અપહરણ અંગેની અરજીથી લઇ પોલીસ ફરિયાદ મળી ન હોવાનું પણ તેમણે વિગતો આપતાં અંતમાં જણાવ્યું હતું.
બીજી તરફ, આ મામલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. સ્થાનિક સુત્રોના જણાવ્યાનુસાર આ ત્રણેય બાળમૂનિ આચાર્ય હાર્દિકરત્નસૂરીજીના શિષ્યરત્ન હોવાનં અને પાલિતાણા-અમદાવાદ હાઇ-વે પર આવેલાં અઢીદ્વીપ ખાતે ચાતુર્માસ કરતા હોવાનું જાણવા મળેલ છે. ત્રણેય બાળમૂનિના માતા-પિતા પણ જૈનમૂનિ હોવાથી તેમને લેવા આવતાં મામલાએ અલગ જ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, આ મામલે અઢીદ્વીપના સંચાલકોનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયત્ન કરાયો હતો. પરંતુ થઇ શક્યો ન હતો.