૨.૭૬ કરોડના ખર્ચે તૈયાર કરાયેલો કોચ સોમનાથ-ઓખા ટ્રેનમાં જોડાશે
- ડિસેમ્બરના પ્રારંભ સુધી અસ્થાયીરૃપથી લગાડવામાં આવશે
- ફાયરપ્રૂફ કોચમાં રીડિંગ લાઈટ, ફોલ્ડિંગ નાસ્તાના ટેબલ, દિવ્યાંગ મુસાફરો માટે સુવિધા ઉભી કરાઈ
ભાવનગર, ગુરૃવાર
રૃા.૨.૭૬ કરોડના ખર્ચે અપગ્રેડેડ અને અત્યાધુનિક સુવિધાથી સજ્જ કોચને ભાવનગર મંડળની સોમનાથ-ઓખા ટ્રેનમાં જોડવામાં આવશે. આ કોચમાં મુસાફરો માટે અલગ-અલગ સુવિધાઓ ઉભી કરાઈ છે.
પશ્ચિમ રેલવેએ ભાવનગર મંડળની સોમનાથ-ઓખા સ્પેશિયલ ટ્રેનમાં અસ્થાયીરૃપથી એસી થ્રી ટાયર ઈકોનોમી કોચ જોડવા નિર્ણય કર્યો છે. આ કોચ સોમનાથ-ઓખા ટ્રેનમાં તા.૩૧-૧૦થી તા.૨-૧૨ અને ઓખા-સોમનાથ ટ્રેનમાં તા.૩૦-૧૦થી તા.૧-૧૨ સુધી જોડાયેલો રહેશે. નવા વિકસિત કોચમાં હવાઈ મુસાફરીની જેમ મુસાફરો માટે ફ્લોર સ્પેસ વધારાઈ છે. ઈલેક્ટ્રીકલ પેનલને ફરી ડિઝાઈન કરવામાં આવી છે. હાલના થ્રી ટાયર એસી કોચની સામે ૧૧ બ્રર્થ વધુ સાથે નવા કોચમાં ૮૩ બ્રથ છે. ફાયરપ્રૂફ અને પ્રકાશિત સીટ નંબર સાથેના કોચમાં વ્યક્તિગત એસી વેન્ટ્સ, દરેક મુસાફર માટે રીડિંગ લાઈટ્સ, યુએસબી ચાર્જિંગ સોકેટ્સ, બોટલ સ્ટેન્ડ, ફોલ્ડીંગ નાસ્તાના ટેબલ, દિવ્યાંગ મુસાફરો માટે પ્રવેશ અને બહાર નીકળવાની સુવિધા તેમજ શૌચાલયનો દરવાજો મૈત્રીપૂર્ણ બનાવાયો છે. દરેક કોચની કિંમત રૃા.૨.૭૬ કરોડ છે અને ૧૬૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે કોચ દોડવામાં સક્ષમ છે. એસી થ્રી ટાયર ઈકોનોમી કોચનું બુકિંગ આવતીકાલ તા.૨૯-૧૦થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરટીસીની વેબસાઈટ પરથી શરૃ થશે તેમ ભાવનગર રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.