દિવાળીનો તહેવાર ઢુંકડો આવી પહોંચતા સફાઈ અભિયાન વેગવંતુ બનાવાશે
- સફાઈકાર્ય માટે શ્રમિકોની ડિમાન્ડમાં વધારો
- તહેવાર અગાઉ ઘર અને કાર્યસ્થળ સ્વચ્છ રાખવા માટેના આવશ્યક સફાઈના સાધનો અને સામગ્રીઓની માંગમાં ઉછાળો
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર દેવી લક્ષ્મી એવા ઘરમાં જ પ્રવેશે છે જે યોગ્ય રીતે સાફ-સફાઈ દ્વારા સાત્વિક અનુભૂતિ કરાવતુ હોય.જે તહેવારની સૌ કોઈ આતુરતાથી કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યા હતા તે પ્રકાશનું મહાપર્વ દિવાળી ઢુંકડું આવી પહોંચતા ગોહિલવાડમાં ઘરે ઘરે, રહેણાંકીય સોસાયટીઓ, કોમર્શિયલ એકમો, ઔદ્યોગિક વસાહતો, દુકાન, ઓફિસ, કારખાનાઓ, શૈક્ષણિક સંસ્થાઓ,ધર્મસ્થાનકો,ઉપરાંત સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં દિવાળી અગાઉના છેલ્લા આઠથી દસ દિવસ પુરજોશમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.આથી શહેરની બજારોમાં હાલ સફાઈ કામગીરી માટેના સાવરણી, સાવરણા, સીડી, ટેબલ, સફાઈકામદારો, ડસ્ટર, કાચના વાસણના કલીનર, વેકયુમ કલીનર, સાબુ, ડીશવોશીંગ પાવડર, લીકવીડ સહિતના આવશ્યક અને ચોકકસ સાધનો તેમજ કલીનર્સની માંગમાં ઉછાળો આવ્યો છે. અન્ય મહાનગરોની જેમ હવે ભાવનગરમાં પણ ઘરકામની સફાઈ માટેના શ્રમિકભાઈઓ તથા બહેનો કુંભારવાડા, રૂવાપરી રોડ, કરચલીયા પરા ઉપરાંત ખેડૂતવાસ સહિતની સ્થાનિક શ્રમજીવી વસાહતોમાંથી શ્રમિકો ઉધડા ભાવે અથવા દૈનિક નીયત ભાડા પર મળી રહેતા હોય છે.જેઓ રસોડાથી લઈને બેડરૂમ, લિવીંગ રૂમ, પૂજારૂમ, સંડાસ, બાથરૂમ, માળીયા, કોઠારરૂમ, દિવાલો, ટાઈલ્સ ઉપરાંત પાણીની ટાંકીઓ સહિત આખા ઘરમાં ઘસી ઘસીને વાળી, ચોળીને ચોખ્ખુ ચણાક કરી દેતા હોય છે અને છેલ્લે સફાઈને લાસ્ટ ફિનીશીંગ પણ આપી દેતા હોય શહેરના હિલડ્રાઈવ,ફૂલવાડી, સાગવાડી, કાળીયાબીડ, સીદસર સહિતના વિસ્તારોમાં આવા શ્રમિકોની માંગ વધી રહી છે. ઘરસફાઈ માટેના શ્રમિકો ડાયરેકટ અથવા નીયત કોન્ટ્રાકટર મારફત પણ મળી રહેતા હોય છે.અંતિમ તબકકામાં તો આવા શ્રમિકો ઉંચી રકમ આપવા છતાં પણ મળતા ન હોય તેઓને એડવાન્સમાં નીયત અડધી રકમ આપીને બુકીંગ કરવામાં આવતુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.