મહાપાલિકામાં સમય મર્યાદામાં કામ નહીં થતા અંતે પરીપત્ર કરાયો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
મહાપાલિકામાં સમય મર્યાદામાં કામ નહીં થતા અંતે પરીપત્ર કરાયો 1 - image


- ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં 100 ઠરાવને સર્વાનુમતે બહાલી 

- મહાપાલિકામાં ખાતમૂર્હુતના વાંકે કામગીરીમાં થતો વિલંબ, નગરસેવકો 10 દિવસમાં ખાતમૂર્હુત ન કરે તો 11 માં દિવસે કામ શરૂ કરી દેવા સૂચના 

ભાવનગર : લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના પગલે ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં એક પણ ઠરાવને બહાલી આપવામાં આવી ન હતી પરંતુ હવે ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થઈ છે તેથી આજે બુધવારે સ્ટેન્ડીંગ કમિટિ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જુદા જુદા કામની સમય મર્યાદા વધારવી તેમજ વિકાસના કામો સહિતના ૯૬ ઠરાવને બહાલી આપવામાં આવી હતી. મહાપાલિકામાં સમય મર્યાદામાં કામ નહીં થતા અંતે પરીપત્ર કરાયો હતો. 

ભાવનગર મહાપાલિકાના હોલ ખાતે આજે ગુરૂવારે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને બંધ બારણે મળી હતી, જેમાં કેટલાક કામની સમય મર્યાદા વધારવામાં આવી હતી ત્યારે હવે કોઈ કામની સમય મર્યાદા વધારવામાં નહીં આવે તેવી ચેરમેને ટકોર કરી હતી. મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓ કામગીરી માટે આયોજન કરે છે તો પછી વારંવાર સમય મર્યાદા વધારવી પડે તે યોગ્ય નથી. મહાપાલિકામાં સમય મર્યાદામાં કામ નહીં થતા સ્ટેન્ડીંગ કમિટિમાં અધ્યક્ષ સ્થાનેથી પરીપત્ર કરવામાં આવ્યો હતો અને તમામ કામ સમયસર થાય તેવુ આયોજન કરવા જણાવેલ છે. સમય મર્યાદામાં ચેરમેને કામ કરવા ટકોર કરી છે પરંતુ આ સૂચનાનુ પાલન થશે કે નહીં ? તેની રાહ જોવી જ રહી. 

મહાપાલિકામાં ખાતમૂર્હુતના વાંકે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે તેથી નગરસેવકો ૧૦ દિવસમાં ખાતમૂર્હુત ન કરે તો ૧૧માં દિવસે મહાપાલિકાના જે તે વિભાગે કામ શરૂ કરી દેવાનુ રહેશે તેવી સૂચના ચેરમેને આપી છે. આ સૂચના પ્રમાણે કામગીરી થશે તો મહાપાલિકામાં કામગીરી ઝડપે થશે તેમ ચર્ચાય રહ્યુ છે પરંતુ મહાપાલિકામાં આવી ઘણી સૂચનાઓ આપવામાં આવે છે પરંતુ સૂચના મુજબ કામગીરી થતી નથી તેમ ચર્ચાય રહ્યુ છે. સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં કેટલાક આવાસ યોજનાના કામ સમય મર્યાદામાં પૂર્ણ થયા નથી તેથી તેની સમય મર્યાદા વધારવામાં આવી હતી. વિકસીત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત સ્થળે ડેકોરેશનની વ્યવસ્થા કરવા તથા મહાનુભાવોનાં સ્વાગત માટે દરખાસ્તમાં જણાવેલ વિગતતે પ્રકરણ સામેલ બીલથી કુલ રૂ. ૩પ,૭પ૦ના ખર્ચની હકીકત જાહેર કરવામાં આવી હતી. ભાવનગર મહાપાલિકા દ્વારા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવામાં આવશે તેથી કામગીરી માટે બોન્ડ ઈસ્યુ કમિટિની રચના કરવામાં આવશે અને આ કમિટિને એનેક્ષર-એ મુજબ જરૂરી સત્તા સોંપવાની મંજુરી આપવા નિર્ણય કરાયો હતો. 

પીએમ ઇ બસ સેવા યોજના હેઠળ નવા સીટી બસ ડેપો તથા વર્કશોપ બનાવવાના કામ માટે ટેન્ડરની અંદાજીત રકમ રૂ. ૧પ,૮૬,ર૭,૦૭૦ મુજબ ઓનલાઈન ભાવો મંગાવતા બે એજન્સીઓના ભાવો આવ્યા હતા, જેમાં મે.ઓમ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની પાસેથી ૧પ,૯૦,ર૩,૬૩૮ અને ૧૮ ટકા જીએસટીની રકમ રૂ. ર,૮૬,ર૪,રપપ એમ મળી કુલ રકમ રૂ. ૧૮,૭૬,૪૭,૮૯૩ના ખર્ચથી કરાવવાની તથા ભવિષ્યમાં જીએસટીનાં દરમાં ફેરફાર થાય તો તે મુજબ જીએસટીના દરની રકમ ચુકવવા સાથેની મંજુરી આપવા નિર્ણય કરાયો હતો. આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી લોકભાગીદારીથી ૯૪ લાખના કામ કરવા, આર્થીક સહાય, કરાર આધારીત કર્મચારી લેવા સહિતના ચાર ઠરાવ મળી કુલ ૧૦૦ ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક પડતર પ્રશ્ને સમીક્ષા કરવામાં આવી હતી અને પડતર કામ ઝડપી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.  

ઓડીટ વિભાગના બે કર્મચારી નિવૃત થતા હોય કરાર આધારીત લેવા નિર્ણય 

ભાવનગર મહાપાલિકાના ઓડીટ વિભાગમાં ફરજ બજાવતા ઓડીટર અને ડેપ્યુટી ચીફ ઓડીટર થોડા દિવસમાં નિવૃત્ત થઈ રહ્યા છે તેથી તેઓને ૬ માસ માટે કરાર આધારીત લેવા માટે સ્ટેન્ડીંગ કમિટિમાં ઠરાવ કરાયો છે. આ ઠરાવ મંજૂરી માટે સાધારણ સભામાં મોકલવામાં આવશે. રાજ્ય સરકારે તાજેતરમાં એક પરીપત્ર કર્યો છે અને કરાર આધારીત કર્મચારી લેવા માટે રાજ્ય સરકારની મંજૂરી પહેલા લેવા જણાવેલ છે ત્યારે આ પરીપત્રનુ પાલન થશે કે નહીં ? તેની રાહ જોવી જ રહી. 

અધેવાડા-હિલપાર્ક રોડ પર ફરી ડ્રેનેજ લાઈન બદલાશે 

ભાવનગર શહેરના અધેવાડા-હિલપાર્ક વિસ્તારના ૪પ મીટરના રોડ પર અગાઉ ડ્રેેનેજ લાઈન નાખવામાં આવી હતી પરંતુ આ લાઈન રોડની વચ્ચે છે તેથી હવે રોડની સાઈડમાં લાઈન નાખવામાં આવશે. આ ખર્ચ આર એન્ડ બી દ્વારા આપવામાં આવશે. વારંવાર ડ્રેનેજ લાઈન બદલવાથી સરકારના રૂપીયાનો વ્યય થઈ રહ્યો છે ત્યારે તંત્રએ યોગ્ય પગલા લેવા જરૂરી છે.  


Google NewsGoogle News