સમય મર્યાદામાં કામ નહીં થતા હોવાનો મામલો આજે મહાપાલિકાની સાધારણ સભામાં ગુંજશે
- મનપાની સાધારણ સભામાં લીઝપટ્ટા સહિતના 17 ઠરાવને બહાલી અપાશે
- રાવળા હક્કની જગ્યાના મામલે ફરી વિપક્ષ સવાલો ઉઠાવશે : પડતર પ્રશ્ને કોંગ્રેસ સભ્યો ભાજપને ઘેરશે
ભાવનગર મહાપાલિકાના હોલ ખાતે આવતીકાલે શનિવારે સાંજે ૪ કલાકે મેયરના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળશે. મનપાની સાધારણ સભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ નગરસેવકો સવાલ ઉઠાવશે, જેમાં છેલ્લા પ વર્ષમાં ભાવનગર મહાપાલિકા દ્વારા રૂ. ૧૦ કરોડથી વધુની રકમના કેટલા પ્રોજેકટ મંજુર કરાયા છે. આ કામોના વર્ક ઓર્ડર કયારે અપાયા અને આ કામો સમય મર્યાદામાં પૂર્ણ થયા છે કે નહીં ?. સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થયા હોય તો તેનુ કારણ શુ અને કામગીરી સમય મર્યાદમાં પૂર્ણ ન થઈ હોય તો જવાબદારો સામે શુ કાર્યવાહી કરવામાં આવી છે ? વગેરે પ્રશ્ન કોંગ્રેેસના નગરસેવક ઉઠાવશે. આ ઉપરાંત વણકરવાસ, ચમારવાસ સહિતના વિસ્તારના લોકો માટે ભાવનગર મહારાજાએ ગત વર્ષ-૧૯૦ર માં રાવળા હક્કની જગ્યા ફાળવી હતી. મહાપાલિકાએ રાવળા હક્કની જગ્યા ધારણકર્તાઓને સનદ આપી છે કે નહીં ?, સનદ આપી હોય તો કેટલા લોકોને આપી છે ?, કેટલાને સનદ આપવાની બાકી છે ?, સનદ નથી આપી તેના કારણ શુ ?, રાવળા હક્કની જગ્યા ફાળવી તેની સ્થિતી શુ છે ? વગેરે સવાલ કોંગ્રેસના નગરસેવકો પુછશે અને અધિકારીઓ પાસે જવાબ માંગશે. આ ઉપરાંત કોંગ્રેસ નગરસેવકો દ્વારા પડતર પ્રશ્નો પણ ઉઠાવવામાં આવે તેવી ચર્ચા છેે. કોંગ્રેસ નગરસેવકો પડતર કામગીરીના સવાલો ઉઠાવી શાસક ભાજપને ઘેરશે તેમ જણાય રહ્યુ છે.
મનપાની સાધારણ સભામાં કુલ ૧૭ ઠરાવને બહાલી આપવામાં આવશે, જેમાં રહેણાંકીય અને ફિકટરી પ્લોટના લીઝપટ્ટાની મુદ્દત રીન્યુ કરવી, આર્થીક સહાય, ફીકસ પગારથી સફાઈ કામદાર તરીકે રહેમરાહે નિમણુંક આપવી, ૩ર જૂના વાહનોનો નિકાલ કરવો સહિતના ઠરાવ અંગે સમીક્ષા કર્યા બાદ યોગ્ય ઠરાવોને મંજૂરી આપવામાં આવશે.