ચાવડીગેટ નજીક હાથલારીમાંથી શંકાસ્પદ હાલતે યુવકનો મૃતદેહ મળ્યો
- વલ્લભીપુરનો વતની યુવક રખડતું ભટકતું જીવન ગુજારતો હતો
- મૃતકના માથાના ભાગે ઈજાના નિશાન તથા લારીમાંથી લોહી મળી આવ્યું : હત્યાની આશંકા સાથે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડયો
સમગ્ર બનાવની વિગત એવી છે કે, ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલાં હનુમાનજી મંદિર પાસે પડેલી એક હાથલારીમાં એક યુવકનો મૃતદેહ પડયો હોવાની જાણ થતાં જ ચોવડીગેટ પોલીસ ચોકી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના માથાના ભાગે હુમલાથી ઈજા થઈ હોવાનું અને હાથલારીમાં પણ લોહી હોવાનું જણાઈ આવતાં એફએસએલની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. અને હાથલારીમાં પડેલાં લોહીના નમૂના લઈ તે મૃતકના છે કે કેમ? તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.જયારે, બનાવને લઈ નિલમબાગ પોલીસે સ્થળ પર પંચનાનું કરી મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.જયારે, બનાવ અંગે સિટી ડીવાયએસપીએ જણાવ્યું કે, સવારે મળી આવેલાં અજાણ્યા યુવકના મૃતદેહને પેનલ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. જયાં પીએમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જયારે, અજાણ્યો મૃતક યુવક સુરેશ ધનજીભાઈ બારીયા (ઉ.વ.આશરે ૪૫ ) હોવાનું અને તે વલ્લભીપુરનો વતની હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, મૃતકના માથાના ભાગે લોહીયાળ ઈજાના નિશાન જોવા મળ્યા છે. જે જોતાં તેના માથાના ભાગે બોથડ પદાર્થ મારવામાં આવ્યો હોવાની તેમણે શંકા વ્યકત કરી હતી.જો કે, પીએમ અને એફએસએલ રિપોર્ટના આધારે જ તથ્ય વિગતો પ્રકાશમાં આવશે. તેમ તેમણે ઉમેર્યું હતું. જયારે, બનાવ અંગે મૃતકના ભાઈ ભરતભાઈ ધનજીભાઈ બારૈયાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અક્સ્માતે મોતની જાણવા જોગ નોંધ કરાવતાં પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે. જો કે, મૃતક તેના પત્ની છોડીને જતા રહ્યા બાદ રખડતું ભટકતું જીવન ગુજારતાં હોવાનું અને તેમના મોત અંગે તેમને કોઈના પર વ્હેમ કે શંકા ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ, પોલીસે મૃતદેહની સ્થિતિ જોતાં હત્યાની આશંકા સાથે ગુપ્ત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લખનીય છે કે, મૃતકના પરિવારમાં છ ભાઈ અને બે બહેન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.