પાણીમાં તણાયેલી સારવદરની બાળકીનો સવારે તણસા નજીકથી મૃતદેહ મળ્યો
- ઘર પાસે રમતા રમતા નહેરમાં બાળકી ગરકાવ થઈ હતી
- ફાયર અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકીની શોધખોળ હાથ ધરાઇ હતી, તણસા નજીક નાળા પાસેથી મૃત હાલતે મળી આવી
આ બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના સારવદર ગામે રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા અશોકભાઈ ચુડાસમાની ધોરણ ૬ માં અભ્યાસ કરતી અને ૧૧ વર્ષીય પુત્રી સોનલ ગુરુવારે સાંજના સમયે વાડી વિસ્તારમાં પોતાના ઘર પાસે રમતી હતી. તેવામાં ઘરની બાજુમાંથી નિકળતી નહેરમાં અચાનક પડી જતા તણાઇ ગઇ હતી.આ ઘટનાની જાણ થતાની સાથે ઘોઘા તાલુકા પંચાયતના અધીકારીઓ, પોલીસ સહીતની ટીમ સ્થળ પર પહોંચી હતી.અને બાળકીની શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત્રી સુધી શોધખોળ કરી પરંતુ બાળકીનો કોઇ પત્તો મળ્યો ન હતો. દરમિયાન આજે વહેલી સવારથી તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ફરી સ્થાનિક ગ્રામજનો તેમજ ફાયર રેસ્ક્યુ ટિમ દ્વારા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી.તેવામાં તણસા નજીક નાળાપાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે બાળકીનાં મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવને પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.