સિહોરમાંથી પસાર થતો ભાવનગર રાજકોટ હાઈવે તદ્રન ખખડધજ હાલતમાં
- ખાડાઓમાં નાના વાહનોના ટાયર ફાટી જવાની રોજીંદી ઘટનાઓ
- હાઈવે પર ચારથી 5 ફૂટના ખાડાઓને લઈને પ્રાણઘાતક અકસ્માતની સંભાવના
૨૪ કલાક સતત ધમધમતા આ રોડ પરથી સિહોર પંથકના ગામડાઓના લોકો હટાણા માટે, ધંધા-રોજગાર માટે તેમજ નાજુક સ્થિતિવાળા દર્દીઓ કે પ્રસુતી માટે મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સ જેવા વાહનો પસાર થતા હોય છે ત્યારે આ રોડ પરથી પસાર થતી વેળા શુ હાલત થાય તેની તો કલ્પના કરવી જ મુશ્કેલ છે. ચોમાસાના લીધે આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા અજાણ્યા વાહન ચાલકને ખબર જ ન પડે કે, ખાડો કેટલો ઉંડો અને મોટો હશે.મોટા ભાગના ખાડાઓ ચારથી પાંચ ફુટ જેટલા મોટા છે. ટુ વ્હીલર અને રીક્ષાના ટાયર નાના હોય આ ખાડાઓમાં પડતા જ ટાયર ફાટી જવાની ઘટનાઓ બનવા પામેલ છે.નાના વાહનો ખાડાઓમાંથી પસાર થતા બાળકો પડી જવાની ઘટના પણ બનતી હોય છે. કારણ કે, ખાડાઓ એટલા મોટા હોય છે કે, બેલેન્સ રહે જ નહી.તેમાં જો મોટુ વાહન ફસાઈ જાય તો કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે અને આ મસમોટા ખાડાઓના લીધે ટ્રાફિક જામ કલાકો સુધી રહે છે. લાંબા સમયથી આ રોડની દુર્દશા યથાવત હોય તેમ છતાં નેશનલ હાઈવે પેટા વિભાગ હસ્તકના આ હાઈવેનું વ્યવસ્થિતપણે સમારકામ કરવામાં નિંભર તંત્રનું પેટનું પાણી પણ હલતુ નથી. સિહોર નગરપાલિકાએ આ અગાઉ અમુક મોટા ખાડાઓમાં લેવલીંગ કરી કપચી પણ નાખી હતી. પરંતુ વરસાદના કારણે તે ધોવાઈ જતા આ રોડની પરિસ્થિતી વધુ કથળી ગઈ છે. જેના કારણે વાહનચાલકોમાં રોષ વ્યાપેલ છે.