Get The App

આરોપીએ પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરી કહ્યું કે 'મેં મર્ડર કર્યું છે'

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
આરોપીએ પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરી કહ્યું કે 'મેં મર્ડર કર્યું છે' 1 - image


હત્યા કર્યા બાદ

ફૂટપાથની પાળી પર બેસવા બાબતે બંને મિત્રો વચ્ચે ઝગડો થતાં આરોપીએ છરીના બે ઘા ઝીંકી પતાવી દીધો

રાજકોટ :  રાજકોટના રેલવે સ્ટેશન સામે આવેલી હોટલ નજીકના ફૂટપાથ પર આજે બપોરે એક મિત્રએ બીજા મિત્રની છરીના બે ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. હત્યા બાદ ખૂદ આરોપીએ પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરી પોલીસને મોકલવા જણાવ્યું હતું. પ્ર.નગર પોલીસે તત્કાળ સ્થળ પરથી ભાગી ગયેલા આરોપીને ઝડપી લીધો હતો. ફૂટપાથની પાળી પર બેસવા બાબતે થયેલા ઝગડામાં હત્યા થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

હત્યાનો ભોગ બનનારનું નામ કરણ શિવજીભાઈ ઠાકોર હતું.તેની ઉંમરની પણ પોલીસને જાણ થઇ નથી. તે જંકશન આજુબાજુના ફૂટપાથ પરથી ભંગાર વિણવા સહિતનું કામ કરતો હતો. જંકશન સ્ટેશન રોડ પર જ આવેલી જયહિન્દ હોટલમાં આરોપી પ્રવિણ રમેશ વાઘેલા કામ કરતો હતો. બંને મિત્રો હતા.

 પ્ર.નગર પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બંને વચ્ચે આજે સવારે ફૂટપાથની પાળી પર બેસવા બાબતે બોલાચાલી થઇ હતી. જેને કારણે કરણે આરોપી પ્રવિણને ફૂટપાથની પાળી પર બેસવાની ના પાડી હતી. જેનો આરોપી પ્રવિણે વિરોધ કર્યો હતો. બપોરે બંને વચ્ચે આજ મુદ્દે આશાપુરા હોટલ સામેના ફૂટપાથ પર ફરીથી બોલાચાલી થઇ હતી.

જેમાં ઉશ્કેરાઇ ગયેલા આરોપી પ્રવિણે મિત્ર કરણના પડખા અને ગુપ્ત ભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતા. ઘા એટલા ખુન્નસપૂર્વક ઝીંક્યા હતા કે છરી કરણના શરીરમાં જ ખૂંપી ગઇ હતી. જે તબીબોએ પોસ્ટમોર્ટમ દરમિયાન કાઢી હતી.

હત્યા કર્યા બાદ આરોપી પ્રવિણે પોલીસ કંટ્રોલ  રૃમમાં કોલ કરી કહ્યું કે મેં મર્ડર કર્યું છે, તમે પોલીસ મોકલો. પોલીસ કંટ્રોલ રૃમ તરફથી આ કોલ અંગે પ્ર.નગર પોલીસને જાણ કરાતા તેનો સ્ટાફ દોડી ગયો હતો. તપાસના અંતે આરોપી પ્રવિણને રેલવે સ્ટેશનની પાછળના  ભાગેથી ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મૃતક અને આરોપીના કોઇ વાલી-વારસ હાલ મળ્યા નથી. જેને કારણે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કનુભાઈ ઘેડ સરકાર તરફે ફરિયાદી બનાવાયા છે. તેની ફરિયાદ પરથી આરોપી પ્રવિણ સામે ખૂનનો ગુનો નોંધી તેની ધરપકડ કરાઇ છે. આરોપી જયહિન્દ હોટલના માલિક યુનુસભાઈના મકાનમાં રહે છે. 


Google NewsGoogle News