Get The App

21 દિવસીય અન્નપુર્ણા માતાજીના વ્રતનું રવિવારે ભકિતમય માહોલમાં સમાપન થશે

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
21 દિવસીય અન્નપુર્ણા માતાજીના વ્રતનું રવિવારે ભકિતમય માહોલમાં સમાપન થશે 1 - image


- વ્રતના સમાપન અવસરે દાન અને પુણ્ય પ્રવૃતિઓનો ધમધમાટ વધશે

- વડવા દેવજી ભગતની ધર્મશાળામાં વ્રતધારી ગૃહિણીઓ દ્વારા સામુહિક ઉજવણુ કરાશે, હવનનું આયોજન

ભાવનગર : વિક્રમ સવંત ૨૦૮૦ ના માગશર માસની શુકલ પક્ષની ચંપાછઠ્ઠની તીથિ એટલે કે, ગત તા.૧૮ ડિસેમ્બરથી પ્રારંભાયેલા અનન્ય મહિમાવંતા ૨૧ દિવસીય મા અન્નપુર્ણા માતાજીના વ્રતની માગશર વદ ૧૧ ના આગામી તા.૭ જાન્યુઆરી ને રવિવારેે ભાવ અને ભકિતમય માહોલમાં સમાપન કરાશે.

સકળ સૃષ્ટિના પાલન અને પોષણની જવાબદારી નિભાવતા અને ભુખ્યાને ભોજન આપનાર પરમ શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન અન્નપુર્ણા મૈયાના સ્થાનકમાં વર્ષ દરમિયાન પરંપરાગત રીતે ઉજવાતા સૌથી મોટા  આ અન્નપુર્ણા વ્રત મહોત્સવની આગામી તા.૭-૧-૨૦૨૪ને રવિવારે પુર્ણાહુતિ થશે. આ વ્રતના સમાપન અવસરે તા.૭મીએ ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં લક્ષ્મણધામમાં આવેલા શહેરીજનોની આસ્થાના કેન્દ્ર સમાન અન્નપુર્ણા માતાજીના મંદિરે વહેલી સવારથી વ્રતધારી ગૃહિણીઓ પરિવારજનો સાથે દર્શન અને પૂજન અર્થે ઉમટી પડશે.ગત તા.૧૮ ડિસેમ્બરના રોજ ગોહિલવાડમાં સૌભાગ્યવતી ગૃહિણીઓ દ્વારા સુતરના ૨૧ શેરવાળા દોરાને ૨૧ ગાંઠો મારી અક્ષત, અબીલ, ગુલાલ સાથે ૨૧ દાણાથી મા અન્નપુર્ણાય નમ નો મંત્રોચ્ચાર કરી શુભ મુર્હૂતે જમણા હાથે બાંધી અન્નપુર્ણા માતાજીનું ભાવભેર વ્રત ધારણ વ્રત શ્રધ્ધા અને ભકિતભાવપુર્વક કરાયુ હતુ. આ સાથે ગૃહિણીઓએ ઉપવાસ અને એકટાણા સાથે ૨૧ દિવસ દરમિયાન દરરોજ સવારે પ્રાત કાળે પૂજા અર્ચના, દિપપ્રાગટય,કથાવાર્તાનું વાચન, આરતી કરાઈ હતી. આ વ્રતના અંતિમ દિવસે આવતીકાલ દિન તા.૭ ને રવિવારે વ્રતધારી ગૃહિણીઓ દ્વારા વ્રતનું ઉજવણુ કરવામાં આવશે. ત્યારબાદ વ્રતના દોરાને જળમાં પધરાવાશે. આ અવસરે વડવા દેવજી ભગતની ધર્મશાળામાં આવેલા પૌરાણિક શ્રધ્ધેય અન્નપુર્ણા માતાજીના મંદિરમાં વ્રતધારીઓ દ્વારા સામુહિક ઉજવણુ કરાશે. 

વ્રતના સમાપન અવસરને લઈને સાધુ, બ્રાહ્મણ, સંતો, મહંતોને વસ્ત્રદાન, દક્ષિણા અને અન્નદાનનો પણ અનન્ય મહિમા હોય જીવદયા, દાનપુણ્યલક્ષી પ્રવૃતિઓનો વિશેષ ધમધમાટ જોવા મળશે. તેમજ અનેક સ્થળોએ ૨૧ દિવસ બાદ નાની ત્રણ કે પાંચ બાળાઓેને ભોજન કરાવી દક્ષિણામાં કંકુ, ચુડી, બીંદુ, બંગડી, માળા જેવી શણગારની ચીજવસ્તુઓની કિટ પણ સ્મૃતિભેટ તરીકે અપાશે. આ નિમીત્તે રવિવારે સવારે ૭ થી ૧૨-૩૦  સુધી હવન રાખેલ છે બપોરે ૧૧-૩૦ કલાકે ઉજવણાની સામુહિક મહાઆરતી બાદ બપોરે ૧૨-૧૫ કલાકથી મહાપ્રસાદ રાખેલ છે. 


Google NewsGoogle News