ખંભાળિયા પંથકની યુવતી પર દુષ્કર્મ આચરવા સબબ દસ વર્ષની કેદ
સાત વર્ષ પહેલાની ઘટનાનો કેસ ચાલી જતાં
યુવતીના ઘરનું બારણુ ખખડાવી ઘર ખોલાવી અપહરણ કરીને બહારગામ લઈ ગયા બાદ જુદી જુદી જગ્યાએ કુકર્મ આચર્યું હતું
જામ ખંભાળિયા: જામખંભાળિયા પંથકની એક યુવતીનુ સલાયાના શખ્સે અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઈ ગયા બાદ વારંવાર દુષ્કર્મ આચરવાની ઘટનામાં સાત વર્ષ બાદ ચાલી ગયેલા કેસમાં અદાલતે કેસના તમામ પાસાઓ અને પુરાવાનું અવલોકન કરીને આરોપીને દસ વર્ષની કેદ સજા અને રૂા.વીસ હજારનો દંડ તેમજ ભોગ બનેલી યુવતીને વળતર પેટે રૂા.એક લાખ ચૂકવવા આદેશ કર્યો છે.
ગત તારીખ ૬-૧૦-૨૦૧૭ ના રોજ રાત્રિના બે વાગ્યાના સમયે સલાયા ગામે રહેતા શબીર હારૂન ભગાડ નામના શખ્સ દ્વારા એક યુવતીના ઘરજઈને દરવાજો ખટખટાવી તેણીને ઉઠાડતા આ યુવતી કંઈ બોલે તે પહેલા તેણીનું મોઢું દબાવી અને મૂંગો આપી, મોટરસાયકલ પર બેસાડીને જામનગર લઈ ગયા બાદ ત્યાંથી એસ.ટી.ની બસમાં રાજકોટ અને ત્યાંથી અમદાવાદ બાદ મહેસાણા અને મહેસાણાથી રાજસ્થાનના અજમેર ખાતે લઈ ગયો હતો. ત્યાં ઉપરોક્ત આરોપી દ્વારા ભોગ બનનારની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવાની ફરિયાદ થઈ હતી.
આ અંગેની ફરિયાદ સલાયા મરીન પોલીસમાં નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી, આ પ્રકરણના તપાસનીસ અધિકારી પી.ડી. સોલંકી દ્વારા ભોગ બનનારની મેડિકલ તપાસણી તેમજ અન્ય આધાર પુરાવાઓ એકત્ર કરી અને ઉપરોક્ત શખ્સ સામે ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ સમગ્ર કેસ સંદર્ભે ભોગ બનનાર ફરિયાદી અને મેડિકલ ઓફિસરની જુબાની સાથે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, ખંભાળિયાના એડિશનલ સેશન્સ જજ વી.પી. અગ્રવાલ દ્વારા આરોપી શબ્બીર હારૂનભાઈ ભગાડને તકસીરવાન ઠેરવી, આ સમગ્ર પ્રકરણમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૨૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત દુષ્કર્મનો ભોગ બનનારના સામાજિક, આથક તથા માનસિક પુનર્વસન માટે કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.