પ્રચંડ લોક વિરોધને લઈ બરવાળા પાલિકા દ્વારા વેરા વધારો મોકુફ
- બુધવારથી બરવાળા બંધના અપાયેલા અલ્ટીમેટમ અને
- 4-5 દિવસમાં આકરણીની નકલના પ્રશ્નનું સમાધાન થઈ જશે : પ્રમુખ
બરવાળા નગરપાલિકાએ ઝીંકેલા વેરા વધારા સામે પ્રચંડ વિરોધ થતા આખરે નગરપાલિકાએ પારોઠના પગલા ભરી વેરા વધારો મોકુફ રાખતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
બરવાળા : બરવાળા નગરપાલિકા દ્વારા અસહ્ય વેરો વધારો કરવામાં આવતા બરવાળાના નગરજનોમાં ભારે રોષની લાગણી જન્મી હતી અને લોકો દ્વારા વેરા વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વેરો વધારો પાછો ખેંચવા માટે બરવાળાના નગરજનો અને વેપારી મંડળે લેખીતમાં રજુઆતો કરી હતી. તેમ છતા છેલ્લા બે માસથી નગરપાલિકા દ્વારા કોઈ જવાબ ન મળતા અંતે લોકોએ બે-ત્રણ વખત ધારાસભ્યને પણ રજુઆત કરેલ હતી પરંતુ કોઈ પરીણામ ન આવતા છેલ્લે બરવાળાના નાગરીકો અને વેપારીઓની એક મિટીંગ જૈન ઉપાશ્રય ખાતે મળી હતી અને આખરી રણનીતીના ભાગરૂપે બુધવારના દિવસથી બરવાળા અચોક્કસ મુદત માટે બંધનું એલાન આપવામાં આપી નગરપાલિકાને છેલ્લુ અલ્ટીમેટમ આપ્યું હતું અને તાત્કાલિક વેરા વધારો પાછો ખેંચવાની ચીમકી આપી હતી જેના અનુસંધાને બરવાળા નગરપાલિકાના સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને લોકો અને વેપારીઓ પણ લડી લેવાના મુડમાં હતા. જે જાણી બરવાળા નગરપાલિકાના પ્રમુખ જગદીશ ચાવડાએ બરવાળાના લોકોની લાગણી અને વેપારીઓની માગણીને ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે બરવાળા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વેરા વધારાને પાછો ખેંચવાની જાહેરાત કરી હતી અને બીજી માંગણીએ હતી કે બાંધકામની મંજુરીના લીધી હોય તેને ચીફ ઓફિસર આ-કારણીની નકલ આપતા નથી તે અંગે પણ પ્રમુખે જણાવેલ કે અમોએ આ અંગે સામાન્ય સભામાં ઠરાવ કરી નાખેલ છે અને ચાર-પાંચ દિવસમાં આકારણીની નકલના પ્રશ્નનું પણ સમાધાન થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કરેલ હતો.
આમ છેલ્લા દોઢ બે માસથી બરવાળાના લોકો અને વેપારી મંડળની માંગણી સંતોષાઈ જતા સત્તા-મદ સામે લોકમતનો વિજય થતા લોકો વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી.