તળાજા માર્કેટીંગ યાર્ડે 1.40 લાખ ખેડુત, વેપારી અને મજુરના વિમા માટે 21 લાખનું પ્રીમિયમ ભર્યું

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
તળાજા માર્કેટીંગ યાર્ડે 1.40 લાખ ખેડુત, વેપારી અને મજુરના વિમા માટે 21 લાખનું પ્રીમિયમ ભર્યું 1 - image


- 11 વર્ષથી 10 હજારના વીમાનું કવચ હતું, આ વર્ષથી એક લાખ

- અકસ્માતે અવસાન પામેલા 23 ખેડુત પરીવારને વીમા રકમનો ચેક અર્પણ કરાયો

તળાજા : તળાજા ખેતી પ્રધાન તાલુકો છે અને મોટો વર્ગ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. જ્યારે યાર્ડના હોદ્દેદારો પણ આ ખેડુતોની ખેવના કરી રહ્યાં છે અને આ વર્ષે ૧ લાખના વીમો પ્રત્યેક ખાતેદારનો ઉતારવા મક્કમતા દર્શાવી ખેડૂતો ઉપરાંત વેપારી, મજુરો અને કર્મચારી મળી ૧.૪૦ લાખ વ્યક્તિના વીમો ઉતારવા યાર્ડે ૨૧ લાખનું પ્રિમીયમ ભર્યું હતું. સાથે અગાઉ અકસ્માતે અવસાન પામેલ ૨૩ પરિવારોને વીમાની રકમ આપી હતી. 

તળાજા તાલુકામાં એક લાખ ચાલીસ હજાર ખેડુતો નોંધાયેલ છે. આ ખેડૂતોના નામે ૭-૧૨ના દાખલો નિકળતો હોય તેવા ખેડૂતો ઉપરાંત યાર્ડમાં નોંધાયેલ વેપારીઓ, મજૂરો, કર્મચારીઓ અને બોર્ડ ઓફ ડિરેકટર પર અકસ્માત એ આફત આવી પડે તો તેઓના પરિવારને આર્થિક રીતે મદદ કરીને દુઃખમાં સહભાગી થવા માટે અગિયાર વર્ષથી વીમા પોલિસી દ્વારા લાભ આપવામાં આવે છે. વિમાની લાખો રૂપિયાની રકમ યાર્ડ ભરે છે.

યાર્ડ સેક્રેટરી અજિતભાઈ પરમારએ જણાવ્યું હતું કે જે ૧.૪૦ લાખ ખેડૂતોનું લિસ્ટ છે તે લિસ્ટ તળાજા મામલતદાર કચેરીમાં નોંધાયેલ ખેડુતોનું છે. ત્યાંથી જ મેળવવામાં આવે છે. ખાસ વાત એ છે કે ખેડુતના નામે ૭-૧૨ નિકળવી જોઈએ. તે વીમાની રરકમના લાભાર્થી બને છે આ વર્ષે અકસ્માતે મોત થયા હોય તેવા ૨૩ ખેડૂતોના વીમા કલેમ કરવામાં આવ્યા છે. હાલ ૧૪ ખેડૂત પરિવારને ઘરે જઈને યાર્ડ પ્રમુખ ભીમજીભાઈ પંડયા સાથી બોર્ડ ડિરેકટર, રાજકીય અને સામાજિક આગેવાનોને સાથે રાખીને વિમાની એક લાખની રકમ આપીને દુઃખમાં સહભાગી થવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલું જ નહિ યાર્ડમાં નોંધાયેલ અને ડિપોઝીટ હોય તેવા એક હજાર વેપારીઓ, એકસો જેટલા મજુરો, કર્મચારીઓ અને બોર્ડ ઓફ ડિરેકટરના સભ્યોને પણ વિમાથી સુરક્ષિત કરવામાં આવે છે.


Google NewsGoogle News