Get The App

તળાજાના જવાનને રાષ્ટ્રપતિના હસ્તે વીરતા એવોર્ડ એનાયત થયો

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
તળાજાના જવાનને રાષ્ટ્રપતિના હસ્તે વીરતા એવોર્ડ એનાયત થયો 1 - image


- કાશ્મીરમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપમાં ફરજ બજાવતા

- વર્ષ 2016 માં સેનામાં જોડાયેલા તળાજાના જવાને ડિસ્ટર્બ એરિયા, રેડ એલર્ટ એરિયામાં 22 આતંકીઓનો ખાત્મો કર્યો

તળાજા : જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના સ્પેશિયલ ઓપરેશન ગૃપમાં ફરજ બજાવતા તળાજાના જવાનને રાષ્ટ્રપતિના હસ્તે વીરતા એવોર્ડ એનાયત થયો છે. વર્ષ ૨૦૧૬માં સેનામાં જોડાયેલા તળાજાના મોટા ઘાણા ગામના યુવાને શ્રીનગર, અનંતનાગ, પુલવામા, બારામુલ્લા સહિતના ડિસ્ટર્બ એરિયા અથવા તો રેડ એલર્ટ એરિયામાં ઓપરેશન દ્વારા ત્રણ વર્ષ દરમિયાન ૨૨ આતંકીઓનો ખાત્મો કર્યો છે.

તળાજા તાલુકાના મોટા ઘાણા ગામના ઘનશ્યામ આહીરે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે વીરતા એવોર્ડ મળ્યો છે. વીરતા એવોર્ડ મેળવનાર ઘનશ્યામ ભાદરકાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૬ની સાલમાં સૈન્યમા ભરતી થયા પછી પોતાની કુનેહ,  ચપળતા અને હિંમત જોઈને ખાસ આતંકીઓને મોત ને ઘાટ ઉતારવા માટે કામ કરતા સ્પેશિયલ ઓપરેશ ગૃપમાં ઓફર મળી હતી. જેમાં માટે સૌપ્રથમ ઇન્ટરવ્યુ આપ્યા બાદ ફિઝિકલી ટેસ્ટ આપવાની હોય છે. મોતનો જરા પણ ડર ન જોવા મળે તેવી પરિક્ષામાંથી પસાર થવું પડે છે. તે પરીક્ષા ખુબ ઓછા પાસ કરી શકે છે. આ પરિક્ષા પાસ થયા બાદ સ્થાનિક અને બાદ તેમણ ઇઝરાયેલના સ્પેશિયલ ઓપરેશન ગૃપમાં ટ્રેનિંગ લઈને ચાર-પાંચ મહિના ત્યાં કામ કર્યું હતું. જે બાદ વર્ષ ૨૦૧૯થી જમ્મુ-કાશ્મીરમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપમાં ફરજ બજાવવવાની તક મળી. ઘનશ્યામ ભાદરકાએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે, વિપરિત સંજોગો અને વાતાવરણમાં ૨૪ કલાક એલર્ટ રહીને કામ કરવાનું હોય છે. મોટાભાગે રાત્રે આતંકીઓના વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવાનું હોય છે. ઓપરેશન કેટલા દિવસો ચાલે તે નક્કી હોતું નથી. કલાકોથી લઈ આઠ આઠ દિવસ સુધી ભુખ-તરસ અને જીવની પરવા વિના બરફવર્ષા, બરફના ડુંગર, જંગલ, રહેણાંકી વિસ્તારોમાં ઓપરેશન કરવાનું હોય છે. સામેથી ગોળીઓ વરસાવતા દેશના  દુશ્મનોને ક્યારે ઢાળી દઈએ એજ વિચાર મગજમાં ચાલતો હોય છે. તેમણે શ્રીનગર, અનંતનાગ, પુલવામા, બારામુલ્લા સહિતના ડિસ્ટર્બ એરિયા અને રેડ એલર્ટ વિસ્તારોના ઓપરેશનમાં ત્રણ વર્ષ દરમિયાન ૨૨ આતંકીઆનો ખાત્મો કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, હાલ આપણી સેના અત્યાધુનિક હથિયાર અને ટેક્નોલોજીથી સજ્જ છે. અત્યારે કાશ્મીરમાં પહેલા કરતા સ્થિતિ સુધરી છે. સ્થાનિકોના અમારી સાથેના વર્તનમાં સુધારો આવ્યો છે. ભારતીય સૈન્ય અને કાશ્મીરની પહેલા કરતા હાલ સ્થિતિ સારી છે. આ એવોર્ડ કંઈ રીતે મળે છે તે અંગે જણાવ્યું હતુ કે, જે-જે કામગીરી કરી હોય છે, જેટલા આતંકીઓને માર્યા હોય છે તે, કેવી સ્થિતિનો સામનો કરીને પણ જીત મેળવી હોય તેનો આખોય અહેવાલ તૈયાર થાય છે અને તેના આધારે રાષ્ટ્રપતિ ભવન ખાતે 'વીરતા એવોર્ડ' મેડલ પ્રાપ્ત થાય છે.


Google NewsGoogle News