તળાજા : ફાય. કંપનીનાં કર્મીને લૂંટનાર ચાર શખ્સ ઝડપાયા

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
તળાજા : ફાય. કંપનીનાં કર્મીને લૂંટનાર ચાર શખ્સ ઝડપાયા 1 - image


ચિત્રા જીઆઇડીસી પાસેથી પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડયા

મહિલા કર્મચારીને પછાડી દઈ એક્ટિવા સવાર બે શખ્સ રૂ.૭.૯૪ લાખ રોકડા અને ડોક્યુમેન્ટ સાથેનું પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા

ભાવનગર: તળાજામાં આવેલ ફાઇનાન્સ કંપનીના મહિલા બ્રાન્ચ ઓપરેશન મેનેજર કંપનીની કલેક્શનની રકમ બેંકમાં ડિપોઝિટ કરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે કાળા કલરના એકટીવા સ્કૂટર પર આવેલા બે શખ્સો મહિલાનું રોકડ રકમ તેમજ આઈડી પ્રુફ સહિતના ડોક્યુમેન્ટ સાથેનું પાર્સ ઝુટવીને ફરાર થઈ ગયા હતા. નવ દિવસ પહેલાની આ ઘટના અંગે ફાઇનાન્સ કંપનીના ઇન્ચાર્જ બ્રાન્ચ મેનેજરે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ સંદર્ભે પેરોલ ફર્લો સ્કવોડે ચાર શખ્સને દબોચી લીધા છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર તળાજામાં આવેલી પહલ ફાઇનાન્સ કંપનીના બ્રાન્ચ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા હેતલબેન અરજણભાઈ ભાલીયા ગત તા. ૯/૧૧ ના રોજ ફાઇનાન્સ કંપનીના કલેક્શનની રકમ રૂ. ૭,૮૯,૩૪૫ લઈને ગોપનાથ રોડ પર આવેલ એચડીએફસી બેન્કમાં જમા કરાવવા માટે પગપાળા જઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા પર ધસી આવેલા બે શખ્સ રોકડ ભરેલ થેલો આંચકી નાસી છૂટયા હતા.આ બનાવ સંદર્ભે પોલીસની અલગ અલગ ટીમો લૂંટ ચલાવનાર શખ્સોને ઝડપી લેવા કાર્યરત થઈ હતી.જ્યારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ગુપ્ત રહે મળેલી માહિતીના આઘારે લુટારુઓએ ને ટાર્ગેટમાં લઈ ભાવનગર શહેરના  ચિત્રા જીઆઇડીસી પાસે થી નિલેશ દયાળભાઇ મેર ઉ.વ.૩૦ (રહે.ચિત્રા પ્રેસ ક્વાટર્સ ભાવનગર),કલ્પેશભાઇ ભનુરામભાઇ દેવમુરારી ઉ.વ.૩૦( રહે.કર્મચારીનગર મફતનગર, મહાકાલીમાતાના મંદિર પાસે, ભાવનગર), જગદિશભાઇ સુરેશભાઇ વ્યાસ  ઉ.વ.૨૧ ( રહે.સોનગઢ, પાંચવડા રોડ, તા.શિહોર, જિ.ભાવનગર. મુળ વતન ફુલસર, ૨૫ વારીયા, ઘર નં.૬૩૫, ઠાકર દ્વારા પાસે, ભાવનગર),મનીષભાઇ ઉર્ફે લાલો ભુપતભાઇ બાંભણીયા ઉ.વ.૩૨ ( રહે. કાળીયાબીડ, ઇન્દ્રપ્રસ્થનગર પ્લોટ નં.૧૧૯૮, ભાવનગર) ને ઉઠાવી કડક હાથે પૂછપરછ કરતા ભાંગી પડેલા શખ્સોએ કેવી રીતે લૂંટને અંજામ આપ્યો તેનું વર્ણન કર્યું હતું.પોલીસે ચારેય શખ્સ પાસે થી મોબાઈલ,રોકડા,મળી કુલ રૂ. ૬,૧૨,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કંપનીના કર્મચારીએ જ આપી હતી ટીપ

ભાવનગરમાં આવેલી ફાઇનાન્સ કંપનીમાં કામ કરતો નિલેશ દયાળભાઈ મેર એ લૂંટ ચલાવવા માટે ખાસ ટીપ આપી હતી તદઉપરાંત ઝડપાયેલા ચાર શખ્સ ભાવનગર બોર તળાવ પોલીસ મથકના ગુનામાં ચંદવાયેલા છે તેમજ ચિત્રા જીઆઇડીસી પાસે આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી લુટ ચલાવવાનો કિમિયો ઘડી રહ્યા હતા ત્યારે પોલીસે ઝડપી લીધા.


Google NewsGoogle News