તળાજા : દુષિત પાણીને લીધે મંગેળા ગામમાં ચામડીના રોગો વધ્યા
- પાંચેક દિવસે તો એક વાર શુધ્ધ પાણી આપવા માંગ
- એક બાજુ આ ગામમાં એકાદ મહિનાથી પીવાનું પાણી મળતું નથી ને પીવાના પાણીથી તળાવ ભરાય છે !
બેદરકાર તંત્રની આંખ ખોલતા આક્રોશભેર સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતુ કે, ઉંચડી ગામેથી મંગેળા ગામમાં પાણી આવે છે.તે પાણી લોકોને આપવાના બદલે તળાવ ભરવા માટે વહેવડાવી દેવામાં આવે છે. સુરદાસોને પાણી વહેવડાવી દેતા હોય તેવો વિડિઓ પણ ઉતારીને દેખાડવામા આવ્યો હતો. નેતાઓને ઢંઢોળવા માટે આ વિડિયો વાયરલ પણ કરવામાં આવ્યો હતો.આ ગામના બોર,ડાર, કુવાઓમાં પાણી ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાના કારણે આખાય ગામના લોકોને ખંજવાળ અને ગુંમડાના રોગએ ભરડો લીધો છે.જો હવે તંત્ર દ્વારા પાંચેક દિવસે પણ એક વખત પાણી આપવામાં નહિ આવે તો ભૂખ હડતાળ કરીશુંની ચીમકી આપવામાં આવી છે. ગામના વહિવટદારને પાણી માટે રજુઆત કરાઈ હતી પરંતુ તેઓએ પાણી પુરવઠા કચેરીને જાણ જ કરી ન હતી ! નો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.અધિકારીઓ પણ ટોળાની ભાષા જ સમજતા હોય તેમ એક મહિનાથી પાણી ન આપી શકનાર તંત્રએ કલાકોમાં પાણી મળી જશેની ખાત્રી આપી હતી.