Get The App

અંતિમવિધિ અટકાવીરહીશોનો હોબાળો

સુરેન્દ્રનગરમાં વધુ એક મૃતકની અંતિમવિધિ કરવા સામે સ્થાનિક રહીશોનો વિરોધ

- મહિલાની અન્ય જગ્યાએ અંતિમવિધિ

Updated: Apr 16th, 2020


Google NewsGoogle News
અંતિમવિધિ અટકાવીરહીશોનો હોબાળો 1 - image



સુરેન્દ્રનગર, તા.15, એપ્રિલ, 2020, બુધવાર

સમગ્ર દેશમાં કોરોના વાયરસને પગલે હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તેનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. જો કે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી અને તંત્રએ રાહત અનુભવી છે. જ્યારે શહેરના મુખ્ય સ્મશાનમાં મોડી રાત્રે અજાણી મહિલાની લાશને અંતિમ વિધિ માટે લાવવામાં આવતા સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો અને લાશની અંતિમવિધિ કરાવી દીધી નહોતી. જો કે ત્યારબાદ લાશની અન્ય જગ્યાએ અંતિમવિધિ કરાતા અનેક ચર્ચાઓ પણ વહેતી થવા લાગી હતી.

ત્રણ જેટલા શખ્સોએ મહિલાની લાશને કારમાં લાવી મુખ્ય સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપવાનો પ્રયાસ કરાયો  હતો મહિલાને કોરોના અંગે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગનું મૌન:  

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાય રહ્યા છે ત્યારે જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ ન નોંધાતા તંત્ર સહિત લોકો માટે રાહતના સમાચાર છે. પરંતુ જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામતાં લોકોની  મોડી રાત્રે કોઈપણ જાતની જાણ વગર અંતિમવિધિ કરવામાં આવતાં લોકોમાં અનેક ચર્ચાઓ વહેતી થવા લાગી છે ત્યારે શહેરના પાવરહાઉસ રોડ પર આવેલ મુખ્ય સ્મશાનમાં મોડી રાત્રે અંદાજે અઢી વાગ્યાની આસપાસ એક કારમાં તેમજ એક બાઈક પર ત્રણ જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા અને કારમાં રાખેલ અજાણ્યા વ્યક્તિની લાશને નીચે ઉતારી અંતિમવિધિ માટે સ્મશાનમાં લઈ જવામાં આવી હતી. જો કે આ અંગેની જાણ સ્થાનિક રહીશો સહિત આગેવાન મયુરભાઈ પાટડીયા સહિતનાઓને થતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને હોબાળો મચાવી લાશની અંતિમવિધિ અટકાવી હતી અને અજાણી વ્યક્તિને પોઝીટીવ કોરોના હોવાનો આક્ષેપ કરી અન્ય જગ્યાએ અંતિમવિધિ કરવાની માંગ કરી હતી તેમજ આ મામલે એ-ડીવીઝન પોલીસ મથકે લેખિત રજુઆત કરી હતી. 

જ્યારે લોકોના ટોળેટોળા ઉમટી પડતાં એ-ડીવીઝન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે આ બનાવને પગલે લાશને મુખ્ય સ્મશાનેથી અન્ય જગ્યાએ લઈ જવામાં આવી હતી. 

જ્યારે પ્રાથમિક તપાસમાં વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં રહેતી મહિલાને શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જણાતાં સારવાર અર્થે રાજકોટ ખાતે લઈ જવામાં આવી રહી હતી પરંતુ ચોટીલા નજીક મહિલાનું મોડી રાત્રે મોત મોત નિપજ્યું હતું. આથી મહિલાની લાશને રાતોરાત અંતિમવિધિ માટે સ્મશાને લાવવામાં આવી હતી. જ્યારે આ મામલે વહિવટીતંત્રના અધિકારી સહિત આરોગ્ય વિભાગનો ટેલીફોનીક સંપર્ક કરતાં સ્પષ્ટ માહિતી આપી નહોતી અને મૃતક મહિલાને શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો હોવાનું જણાવ્યું હતું તેમજ તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાની પૃષ્ટિ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,  અગાઉ થોડા દિવસો પહેલાં આ જ પ્રકારે વઢવાણ તાલુકાના દેદાદરા ગામની મહિલાનું મોત નિપજ્યા બાદ શંકાસ્પદ રીતે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી અને તે સમયે પણ હોબાળો થયો હતો. ત્યારે કોરોના વાયરસ મામલે તંત્ર દ્વારા ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રિપોર્ટ આવ્યા પહેલાં જ મૃતકોને અંતિમવિધિ કોઈપણ જાણ વગર બારોબાર કરી નાખવામાં આવતી હોવાનું ચર્ચાય રહ્યું છે.



Google NewsGoogle News