Get The App

ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્નથી સન્માનિત કરવા રજૂઆત

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્નથી સન્માનિત કરવા રજૂઆત 1 - image


- જવાહર મેદાન રાજ્ય સરકાર, રમત-ગમત મંત્રાલય કે કોર્પો.ને સોંપવું જોઈએ 

- ભાવનગરથી અયોધ્યા, સુરત, કચ્છની ડેઈલી ટ્રેન, દિલ્હીની વીકલી ટ્રેન ફાળવવાની માગણી સાથે જિલ્લા ભાજપ અગ્રણીએ લખ્યો પત્ર

ભાવનગર : ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્નથી સન્માનિત કરવા તથા ભાવનગરથી લાંબા અંતરની વિવિધ ટ્રેન ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે.

જિલ્લા ભાજપના અગ્રણી અને વંદેમાતરમ્ સેવા સંઘના ચેરમેન કિશોરભાઈ ભટ્ટ દ્વારા વડાપ્રધાન, મુખ્યપ્રધાન, કેન્દ્રિય ગૃહમંત્રી અને રેલવે મંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, દેશને આઝાદી મળી ત્યારે ભાવનગરના પ્રજાવત્સલ અને પ્રાતઃસ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પોતાનું રાજ્ય દેશને સમર્પિત કર્યું હતું. તેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ તેવી જનતાની પ્રબળ લાગણી અને માગણી છે. 

રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, ભાવનગર શહેરની મધ્યમાં આવેલ જવાહર મેદાન ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હસ્તક છે. જેમાં વારંવાર ગીચ જાડી થઈ જાય છે. પેશકદમી રોજિંદી બિના છે. વર્ષ ૨૦૦૫માં વર્ષોથી વસવાટ કરતા દબાણકર્તાઓને વૈકલ્પિક હાઉસિંગ બોર્ડના મકાનો ફાળવી દબાણો દૂર કરી મેદાન ફરતી દિવાલ બનાવાઈ હતી. પરંતુ આ દિવાલ હાલ મેઈન્ટેનન્સ અને નિયમિત દેખરેખ, સંચાલનના અભાવે તૂટી ગયેલ છે, જર્જરિત થઈ ગયેલ છે. ખરાબા અને કચરાના ઢગલાના કારણે શહેરનું પર્યાવરણ પણ દૂષિત થાય છે. જેનો કાયમી ઉકેલ થાય, બોર્ડર ફરતું વૃક્ષારોપણ થાય, વ્યવસ્થા જળવાય, સૂચારું સંચાલન વ્યવસ્થા થાય તે માટે રાજ્ય સરકાર, રમત-ગમત મંત્રાલય અથવા ભાવનગર મ્યુ. કોર્પોરેશનને સોંપવા ત્વરિત પગલા ભરાય તે ખૂબ જરૂરી છે. 

 આ ઉપરાંત, ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેન, ભાવનગર-સુરત વંદે ભારત ડેઈલી ટ્રેન, ભાવનગર-ધ્રાંગધ્રા-કચ્છ-ભૂજ ડેઈલી ટ્રેન, ભાવનગર-દિલ્હી વંદે ભારત સાપ્તાહિક ટ્રેન ફાળવવા પણ તેમણે માગણી કરી છે. તેમણે ભાવનગર-ઓખા ટ્રેનના સમયમાં બદલાવ કરવા માગણી કરતા જણાવ્યું હતું કે, ભાવનગર-ઓખા ટ્રેન રાત્રે ૧૦ વાગ્યે ઉપડે છે. જે દ્વારકા પહોંચે ત્યારે દ્વારકાધિશ મંદિર બંધ થી જાય. રીટર્નમાં ઓખા-ભાવનગર બપોરે ૩ વાગ્યાની ટ્રેન છે. આથી દર્શનાર્થીઓને ફરજિયાત રાત્રી રોકાણ કરવું પડે. તેના બદલે ભાવનગરથી આ ટ્રેન રાત્રે ૭.૩૦થી ૮ વાગ્યે ઉપડે તો સવારે ૯.૩૦થી ૧૦ વાગ્યે દ્વારકા પહોંચી જાય. જેથી પહોંચીને દર્શન કરી શકે. એ જ પ્રકારે રીટર્નમાં જો આ ટ્રેન બપોરે ૫ વાગ્યે ત્યાંથી પ્રસ્થાન કરે તો યાત્રીઓ રાત્રે પરત ભાવનગર આવી શકે.

યાત્રાધામોને રેલવે યોજનાથી જોડવા માગણી

ગઢડા (સ્વામિના) ઐતિહાસિક તીર્થધામ છે. જે અગાઉ ભાવનગર-ધોળા-નિંગાળા રેલવે સુવિધાથી જોડાયેલું હતું. પરંતુ ઈ.સ.૧૯૮૩-૮૪માં સુવિધા ઝૂંટવાઈ ગઈ હતી. આ યોજનાને પુનઃઅમલી કરવા અને ગઢડા-ગારિયાધાર-વલ્લભીપુર-જેસર તાલુકા રેલવે સુવિધાથી વંચિત હોવાથી તેને સુવર્ણ ચતુર્ભૂજ રેલવે યોજનાથી અમરેલી-ગારિયાધારે-પાલિતાણા-ઢસા-ગઢડા-બોટાદ-સાળંગપુર રેલવે લિકિંગ યોજના તળે અને બોટાદ-ગઢડા સ્વામિના-ઢસા-પાલિતાણા-જેસર તથા પૂજ્ય બજરંગદાસ બાપાનું ધામ બગદાણા-તળાજા-મહુવા રેલવે સુવિધાથી જોડાય તેવી જનતાની પ્રબળ લાગણી અને માગણી છે.  


Google NewsGoogle News