ભાવનગર-ઓખા ટ્રેનને મૂળ રૂટ પર ચલાવવા મુસાફરોની પ્રબળ માંગ
- ગેજ કન્વર્ઝન પુર્ણ થયા બાદ જુના રૂટનો ઈન્કાર
- ભાવનગરવાસીઓને ઢસા, જેતલસર, જેતપુર, વીરપુર, ગોંડલ અને રાજકોટ જવા માટે સાનુકુળતા થતી હતી
ભાવનગર-ઓખા ટ્રેનનો મૂળ રૂટ ધોળા, ઢસા, જેતલસર, વીરપુર અને ગોંડલ, રાજકોટ છે.પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના પ્રારંભ સાથે એ મીટરગેજ લાઈન પર ભાવનગર-ઓખા પેસેન્જર ટ્રેન શરૂ થઈ ત્યારથી તે ભાવનગર, સિહોર, ઉમરાળા, વલ્લભીપુર અને ઢસા વગેરે વિસ્તારોના લોકો માટે જેતલસર, જેતપુર, વીરપુર, ગોંડલ અને રાજકોટ વિસ્તારમાં તથા જેતલસરથી ટ્રેન બદલીને જૂનાગઢ,સોમનાથ ઉપરાંત ધોરાજી,ઉપલેટા,પોરબંદર જવા-આવવા માટે ખૂબ જ અનુકૂળ ટ્રેન સેવા હતી. જામનગર,દ્વારકા અને ઓખા જવા આવવામાં ઓછો સમય અને ઓછો ખર્ચ લાગતો હતો.દાયકાઓ સુધી આ રૂટ પર ઓખા ટ્રેન ચાલતી રહ્યા પછી મીટરગેજનું બ્રોડગેજમાં કન્વર્ઝન કરવા માટે ભાવનગર-ઓખા સહિતનો ટ્રેન વ્યવહાર બંધ કરાયો હતો.ભાવનગર-સુરેન્દ્રનગર લાઈન બ્રોડગેજનું કામ પૂર્ણ થઈ ગયું,પણ ઢસા-જેતલસર લાઈનનું કામ બાકી હોવાથી ઓખા ટ્રેનને વાયા સુરેન્દ્રનગર શરૂ કરાઈ, આ રૂટ પર સમય અને ભાડું વધુ થવા છતાં, ઢસા-જેતલસર લાઈનનું ગેજ કન્વર્ઝનનું કામ પૂરૂં થયા પછી ઓખા ટ્રેન મૂળ રૂટ પર ચાલુ થશે એવી આશા સાથે પંથકના લોકોએ તે અપનાવી લીધું હતુ.આ પ્રશ્ને લોકોના પ્રતિનિધિઓ પણ જરૂરી સક્રિયતા દાખવતા નથી એવો વસવસો લોકો વ્યક્ત કરતા રહે છે.ઓખા ટ્રેન મૂળ રૂટ પર શરૂ થાય તો આ વિસ્તારના લોકોને ઢસા, જેતલસર, જેતપુર, વીરપુર, ગોંડલ, રાજકોટ વગેરે તરફ આવાગમનમાં ખર્ચ અને સમયનો બચાવ થઈ શકે તેમ છે.