Get The App

રાજાશાહી વખતે જૂનાગઢ રાજ્યમાં ચોખ્ખા અને વેજીટેબલ ઘી માટેના કડક કાયદા હતા

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
Regulations Pure and Vegetable Ghee


Strict Regulations Pure and Vegetable Ghee: આપણી એવી ટેવ રહી છે કે જ્યારે કશુંક અજુગતું બને ત્યારે તરત જ આપણે ભૂતકાળ તરફ નજર કરીએ છીએ કે ભૂતકાળમાં ક્યારેય આવું બન્યું હતું કે નહિ? ત્યારે સત્તાધીશોએ શું પગલાં લીધા હતા. આજે જ્યારે જગપ્રસિદ્ધ અને અતિ સમૃદ્ધ દેવસ્થાન તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુના ઘીમાં પ્રાણીની ચરબી વપરાઈ હોવાનો વિવાદ સામે આવ્યો છે ત્યારે દફતરોમાંથી જૂનાગઢ રાજ્યમાં વેજીટેબલ ઘી માટે કેવો કાયદો હતો તેની ચર્ચા કરવી છે.

શુદ્ધ ઘીની ચકાસણી કરવા માટે લેબોરેટરી સ્થાપી હતી

ભાવનગર રાજ્યે લોકોને શુદ્ધ ઘી મળી રહે એટલા માટે શુદ્ધ ઘીની ચકાસણી કરવા માટે લેબોરેટરી સ્થાપી હતી અને તેમાં ઘીની ચકાસણી થયા બાદ તે બરાબર છે તેનું પ્રમાણપત્ર મેળવી ઘીના ડબા પર ચોંટાડવું ફરજિયાત હતું.

જૂનાગઢમાં વેજીટેબલ ઘીની આયાત પર પ્રતિબંધ

એક સમયે જૂનાગઢ શહેરમાં પણ ડબા ગલીમાં જાવ તો ત્યાં કોઈક દુકાને એવું બોર્ડ જોવા મળતું કે જો કોઈ તેમના ચોખ્ખા ઘીમાં ભેળસેળ સાબિત કરશે તો તેને રૂપિયા 5000નું ઈનામ આપવામાં આવશે અને આ રીતે ઘી ચોખ્ખુ જ છે તેનો ભરોસો લોકોને મળતો.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ 33.1 ફૂટ ભરાયો, આજે છલકાવવાની સંભાવના

જૂનાગઢ રાજ્યે 10 ઓગસ્ટ 1925ના રોજ વેજીટેબલ ઘીની આયાત પર પ્રતિબંધ મૂકેલો અને પછીથી નવો ધારો ઘડવામાં આવ્યો હતો. જૂનાગઢ રાજ્યમાં 1946માં સૌરાષ્ટ્ર વેજીટેબલ ઘી એન્ડ કન્ફેક્શનરીનો ધારો લાગુ પાડવામાં આવેલો. આ ધારાનો હેતુ વેજીટેબલ ઘી અને તેમાંથી બનતી મીઠાઈની આયાત અને વેચાણ કરવા તથા ભેળસેળવાળા ઘીનું વેચાણ અટકાવવાનો હતો. આ કાયદો 1 જુલાઈ 1946થી લાગુ પડાયો હતો. આ કાયદાએ શુદ્ધ ઘી અને વેજીટેબલ ઘીની વ્યાખ્યા બાંધી આપી હતી.

જે કોઈ વેજીટેબલ ઘી આયાત કરે કે વેચાણ કરે તો તેણે રાજ્ય પાસેથી પરવાનો લેવો પડતો જે પરવાનો રૂપિયા 15 લાયસન્સ ફી ભરી લઈ શકાતો. આવું લાયસન્સ રેવન્યુ કમિશનર એક વર્ષ માટે પોતાની વિવેક બુદ્ધિથી આપતા હતા. રાજ્યની પરવાનગી વગર વેજીટેબલ ઘી કે વેજીટેબલ ઘીમાંથી બનાવેલી મીઠાઈ કોઈ વેચે તો તેને એક વર્ષ સુધીની કેદ અથવા રૂપિયા 1000 સુધીનો દંડની તેમાં જોગવાઈ હતી.

વેજીટેબલ ઘીનું લાયસન્સ ધરાવનાર દુકાનદાર પોતાની દુકાનમાં વેચાણ માટે ચોખ્ખું ઘી કે ચોખ્ખા ઘીની મીઠાઈ રાખી શકતો નહીં કે વેચી શકતો નહીં. જો તેમ કરતા પકડાય તો રેવન્યુ કમિશનર તેનું લાઈસન્સ રદ કરી શકતો હતો.

બધાને સહેલાઈથી વાંચી શકાય તેમ વેજીટેબલ ઘીનું બોર્ડ લગાવવામાં આવતું

ઈતિહાસનાં પાનાં પરથી એ વખતનાં શાસનની જાગૃતિ ઉજાગર કરતા જૂનાગઢના ઈતિહાસવિદ્ પ્રા. પ્રધ્યુમ્ન ખાચર ઉમેરે છે કે, વેજીટેબલ ઘીનું લાઈસન્સ ધરાવનારે પોતાની દુકાને બધાને સહેલાઈથી વાંચી શકાય તેમ એક બોર્ડ રાખવું પડતું જેમાં લખેલું રહેતું કે અહીં વેજીટેબલ ઘી વેચાય છે કે અહીં વેજીટેબલ ઘીની મીઠાઈ વેચાય છે. 

આ પણ વાંચો: 500ની નકલી નોટોમાં ગાંધીજીની જગ્યાએ અનુપમ ખૈરનો ફોટો છાપ્યો, અમદાવાદમાં ગઠિયાઓની કરતૂત

વેજીટેબલ ઘી કે વેજીટેબલ ઘીમાંથી બનેલી મીઠાઈ દુકાન બહાર રાખવાની મનાઈ હતી. પોતાને આ લાયસન્સ મળ્યું છે તે બધા જ જોઈ શકે કે તે રીતે દુકાનદારે રાખવાનું રહેતું હતું. આવા લાયસન્સો ધરાવતી દુકાનો વહીવટદાર, આબકારી ઓફિસર, પોલીસ ઓફિસર તપાસતા હતા. આવી દુકાનેથી ગ્રાહક માલ ખરીદી સાત દિવસની અંદર તેનું પૃથ્થકરણ કરાવી તેનું સર્ટિફિકેટ મેળવી શકતો હતો.

ભેળસેળ કરનારને લાગે તેવી સજા હોવી જોઈએ 

અત્યારે આપણે ત્યાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ક્યારેક જ ઘીના વેપારીની દુકાનેથી ઘીનો નમૂનો લઈ લેબોરેટરીમાં પૃથક્કરણ કરાવે છે, ખરેખર તે નિયમિત રીતે થવું જોઈએ અને ઘીમાં ભેળસેળ જણાય તો તેને સજા પણ થવી જોઈએ તો જ ભેળસેળ કરનારને ડર લાગે પરંતુ અત્યારે આવું થતું નથી. 

રાજાશાહીના સમયમાં જો કોઈ વેપારી ઘીનો નમૂનો ચેકિંગ કરવવાની ના પાડે તો પ્રથમ ગુના માટે રૂ. 200 સુધીનો દંડ અને પછીના દરેક ગુના માટે ત્રણ મનીના સુધીની સાદી કેદ અથવા રૂ. 1000 સુધીના દંડની અથવા બંને શિક્ષાની જોગવાઈ હતી. 

એક વર્ષ સુધીની કેદ અથવા 500 સુધીના દંડની જોગવાઈ 

આ પ્રકારના ઘી કે મીઠાઈને જૂનાગઢ રાજ્યના કેમિકલ એનલાઈઝર પાસે મોકલવામાં આવતા કેમિકલ એનલાઈઝર તેનું પૃથક્કરણ કરી રિપોર્ટ અદાલતને આપતું. આ પૃથક્કરણનો ખર્ચ અદાલતના ફરમાવ્યા મુજબ ફરિયાદીએ અથવા તહોમતદારે આપવો પડતો હતો.

આ ધારાના ગુનામાં એક વર્ષ સુધીની કેદ અથવા 500 સુધીનો દંડ ગમે તે પ્રકારની સજાની જોગવાઈ હતી. આ ધારા હેઠળનો ગુનો કોગ્નિઝેબલ જામીન લેવાલાયક તથા માંડવાળ ન થઈ શકે એવો હતો. આ ગુનો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટથી ઓછા દરજ્જાનો ન હોય તેવા મેજિસ્ટ્રેટ સાંભળી શકતા હતા. 

આ પણ વાંચો: ઐતિહાસિક સ્થળો દત્તક આપવાની ગુજરાત સરકારની યોજનામાં કોર્પોરેટ હાઉસોએ રસ જ ન દાખવ્યો

પ્રસાદની આ ઘટનામાં પણ કડક પગલા લેવા જરૂરી 

આજે તિરુપતિ મંદિરના પ્રસાદની આ ઘટના બની ત્યારે બે ચાર મહિના સત્તાધીશો કડક બને વળી પાછું એનું એ જ ચાલે. આપણે કેમ અમેરિકા કે દુબઈની જેમ કાયદાનો કડક અમલ કરાવતાં નથી? તે મોટો પ્રશ્ન છે. આપણે ત્યાં પ્રજાને ગુણવત્તાસભર અને ચોખ્ખી ચીજવસ્તુઓ ના આપનાર સામે કડક રહેવાને બદલે અન્ય બિનજરૂરી બાબતમાં કડકાઈ દેખાડવામાં આવે છે.

આ આપણા પ્રજાજનોની નબળાઈ કે સહનશીલતા જ છે. રાજાશાહીમાં શિકાર, મહેસૂલ, કાપડ, ધ્વજ, ભાડા વધારા માટે, રાજાઓની જોહુકમી સામે વધુ સત્યાગ્રહો થતા હતા. આજના સમયમાં કોઈ સામાજિક સંગઠ્ઠનો પણ પ્રજાને થતાં અન્યાય બદલ સરકાર સામે અવાજ ઉઠાવતા નથી કે કોઈ આંદોલન કરતા નથી. આજે આપણે બધું ચલાવી લઈએ છીએ. જોકે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોથી જેનો કે બિમાર પડે એ પરિવારે જ ભોગવવું પડે છે.

રાજાશાહી વખતે જૂનાગઢ રાજ્યમાં ચોખ્ખા અને વેજીટેબલ ઘી માટેના કડક કાયદા હતા 2 - image


Google NewsGoogle News