બોગસ બિલિંગ કૌભાંડમાં હજુ અન્ય આરોપીઓ સામે ગુજસીટોક લાગી શકે
- 20 આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોકની કલમો લાગ્યા બાદ
- ગુજસીટોક લગાવવાથી બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ પર વધુ શિકંજો કસાશે
ભાવનગરમા સ્ટેટ જીએસટી દ્વારા આધાર ૧.૦ અને આધાર ૨.૦ એમ બે મોટા કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યા છે. જેમાં કુલ ૧૪૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છ. કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની અન્ય ગુનાહિત પ્રવૃત્તિના આધારે સ્ટેટ જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરતા ૨૦ આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોકની કલમો લગાવવામાં આવી છે. બોગસ બિલિંગ કૌભાંડમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી આ મહત્વની કાર્યવાહી છે. જેનાથી આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ પર વધુ શિકંજો કસાશે. હાલ સ્ટેટ જીએસટી દ્વારા બોગસ બિંલિંગ કૌભાંડમાં અન્ય કડીઓની તપાસ ચાલી રહી છે અને તેમાં જો આધાર ૧.૦ અને આધાર ૨.૦ કૌભાંડમાં ઝડપાયેલા આરોપીના નામ ખુલશે તો તેમની સામે પણ ગુજસીટોકની કલમો ઉમરેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. ગુજરાતમાં ભાવનગર, અમદાવાદ, સુરત અને જામનગરમાં બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય સેન્ટરો રહ્યાં છે. ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને પૈસાની લાલચ આપી તેમના આધારકાર્ડ સાથે ચેડાં કરી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડતા આ કૌભાંડની અન્ય કડીઓની તપાસ હજુ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
શું આધાર 3.0 કૌભાંડ ઉજાગર થશે
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા એક વર્ષના સમયગાળા દરમિયાન ફેબુ્રઆરી-૨૦૨૩માં આધાર ૧.૦ અને ફેબુ્રઆરી-૨૦૨૪માં આધાર ૨.૦ એમ બે મોટા કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યા છે. હાલ સ્ટેટ જીએસટી વિભાગની ટીમોની રાજ્યમાં જે પ્રકારે તપાસ ચલાવવામાં આવી રહી છે તે જોતા આધાર ૩.૦ કૌભાંડની શક્યતા નકારી શકાય નહી.