Get The App

ભાવનગરના સાંસદને ગ્રાહક સુરક્ષા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રાલયનો રાજ્યકક્ષાનો હવાલો

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
ભાવનગરના સાંસદને ગ્રાહક સુરક્ષા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રાલયનો રાજ્યકક્ષાનો હવાલો 1 - image


- ભાવનગરના બે નેતાઓને કેન્દ્રમાં મંત્રી પદ મળતા ભાજપ કાર્યકર, સમર્થકોમાં આનંદની લાગણી 

- ભાવનગર વતની અને પોરબંદર બેઠકના સાંસદ માંડવીયાને શ્રમ અને રોજગાર, યુવક અને રમત-ગમત વિભાગનો કેબીનેટ મંત્રીનો હવાલો 

ભાવનગર : ભાવનગર લોકસભા બેઠકના મહિલા સાંસદ અને ભાવનગર વતની તેમજ પોરબંદર બેઠકના સાંસદને કેન્દ્રીય મંત્રાલયમાં સ્થાન મળ્યુ છે. ભાવનગરના બંને નેતાઓએ ગત રવિવારે મંત્રી પદના શપથ લીધા હતાં. આજે સોમવારે ભાવનગર મહિલા સાંસદને ગ્રાહક સુરક્ષા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રાલયનો રાજ્યકક્ષાનો હવાલો આપવામાં આવેલ છે, જયારે ભાવનગર વતની અને પોરબંદર બેઠકના સાંસદ માંડવીયાને શ્રમ અને રોજગાર, યુવક અને રમત-ગમત વિભાગનો કેબીનેટ મંત્રીનો હવાલો મળ્યો છે તેથી સ્થાનિક ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી ફરી વળી છે. 

ભાવનગરની લોકસભા બેઠક પર ભાજપ પાર્ટીએ ઉમેદવાર તરીકે નિમુબેન બાંભણીયાને મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓએ ગત તા. ૪ જૂને બહુ મોટી લીડથી ઐતિહાસીક જીત મેળવી હતી. ભાવનગર સહિત ગુજરાતમાં કોળી સમાજની વસતી મોટી છે તેથી ભાજપે જ્ઞાાતી સમીકરણના કોળી સમાજમાંથી આવતા નિમુબેનને ટિકિટ આપી હતી. નિમુબેનને જ્ઞાાતી સમીકરણ અને મોટી લીડથી જીતવાનો ફાયદો થયો છે, જેના પગલે તેઓનો કેન્દ્રીય મંત્રીમાં સમાવેશ કરવામાં આવેલ છે. ગત રવિવારે નિમુબેને કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા હતાં. આજે સોમવારે તેઓને ગ્રાહક સુરક્ષા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રાલયનો રાજ્યકક્ષાનો હવાલો આપવામાં આવેલ છે. નિમુબેન પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડયા છે અને તેઓને કેન્દ્રીય મંત્રી મંડળમાં લેતા તેઓને લોટરી લાગી છે તેમ કહી શકાય. ભાવનગરના મહિલા સાંસદને હાલ મોટી જવાબદારી મળી છે. 

ભાવનગર જિલ્લાના પાલિતાણા વતની અને પોરબંદર લોકસભા બેઠકના સાંસદ મનસુખ માંડવીયા ફરી કેબીનેટ મંત્રી બન્યા છે. આજે તેઓને શ્રમ અને રોજગાર, યુવક અને રમત-ગમત વિભાગનો કેબીનેટ મંત્રીનો હવાલો આપવામાં આવેલ છે. ગત ટર્મમાં તેઓએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. ભાવનગરના બંને નેતાઓને કેન્દ્રીય મંત્રાલયમાં સ્થાન મળતા ભાવનગરના ભાજપ કાર્યકરો-અગ્રણી તેમજ સમર્થકોમાં ઉત્સાહની લાગણી ફરી વળી છે. 


Google NewsGoogle News