સિહોરમાં કાંસાના 5 વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા
- જીએસટી વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા સવારથી તપાસ
- ચૂંટણી કામગીરી પૂર્ણ થયાં બાદ સ્ટેટ જીએસટી વિભાગ હરકતમાં, અમદાવાદ અને રાજકોટની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ
સ્ટેટ જીએસટી વિભાગની જુદી-જુદી ત્રણ ટીમો દ્વારા આજે સવારથી સિહોરની મેઈન બજારમાં આવેલા કાંસાના વેપારીઓને ત્યાં રેઈડ કરી છે. સરકારી અને ખાનગી વાહનોમાં આવેલી સ્ટેટ જીએસટીની ટીમોએ કાંસાના પાંચ વેપારીને ત્યાં તપાસ શરૂ કરી હતી હજુ ચાલી રહી છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદ વડી કચેરીમાંથી આ રેઈડ પ્લાન થઈ હતી અને તેમાં ભાવનગર, અમરેલી અને રાજકોટના જીએસટી વિભાગના અધિકારીઓ જોડાયા હતા. થોડાં દિવસો પૂર્વે પણ જીએસટી વિભાગના અધિકારીઓ સિહોરમાં વાસણના વેપારીને ત્યાં તપાસ કરી ગયા હતા જે પછી આજે ફરી સ્ટેટ જીએસટી વિભાગની તપાસ આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. આજે સવારે અચાનક આવેલી જીએસટી વિભાગની તપાસથી સિહોરની કંસારા બજારની દુકાનો ધડાધડ બંધ થવા લાગતા કરફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો. બીજી તરફ જીએસટીની ટીમોએ કાંસાના પાંચ વેપારીઓના ખરીદ-વેચાણ, આવક અને સ્ટોક સહિતના હિસાબો તપાસ્યા હતા અને લેખિત અને ડિઝિટલ દસ્તાવેજો કબ્જે લઈ તપાસ આદરી છે અને હજુ આ તપાસ એક દિવસ ચાલે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી કામગીરી પૂર્ણ થયાં બાદ હવે સ્ટેટ જીએસટી વિભાગ વિવિધ કોમોડિટીમાં તપાસ કરી રહી છે. થોડાં દિવસો અગાઉ ભાવનગરમાં સ્કુલ બેગના મોટા વ્યવસાયકારને ત્યાં દરોડા બાદ આજે સિહોરમાં વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે અને આગામી દિવસોમાં આ તપાસની ગતિ વધશે તેવું પણ જાણવા મળ્યું છે.
ભાવનગરના ગોળબજારમાં કટલેરીના વેપારીઓને ત્યાં પણ તપાસ
સિહોર ઉપરાતં આજે શહેરના ગોળબજારમાં પણ સ્ટેટ જીએસટીની ટીમ ત્રાટકી હતી. ગોળબજારમાં આવેલા કટલેરીના જુદાં-જુદાં વેપારીઓને ત્યાં પણ ભાવનગર સ્ટેટ જીએસટી ટીમોએ બુધવારે બપોર બાદ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ વ્યવહારો અને કરચોરી કરતા વેપારીઓ કેટલાય સમયથી વિભાગના રડારમાં હતા.