એસ.ટી. નિગમના કર્મીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આળસ
- 30 મી સુધીમાં માંગણીઓ પ્રત્યે ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત
- મોંઘવારી ભથ્થાની અસર, આર્થિક સહાય, બોનસ, ખાલી જગ્યા ઉપર નિમણૂક સહિતના 11 પ્રશ્નનો હલ લાવવામાં ન આવતા રોષ
એસ.ટી. નિગમના કર્મચારીઓને ૧૯ માસના ચડત એરિયર્સની રકમ ચુકવવાની બાકી છે. જાન્યુઆરી-૨૦૨૨ની ત્રણ ટકા, જુલાઈ-૨૦૨૨ની ચાર ટકા અને જાન્યુઆરી-૨૦૨૩ની ચાર ટકા મળી ૧૧ ટકા મોંઘવારી ભથ્થાની અસર હજુ સુધી ચુકવાઈ નથી. અન્ય બોર્ડ-નિગમ, કોર્પોરેશનના કર્મીઓને આ મોંઘવારીનો લાભ એરિયર્સ સાથે ચુકવી દેવાયો છે. સપ્ટેમ્બર-૨૦૨૨ પેઈડ ઈન ઓક્ટોબર-૨૦૨૨થી દરેક સરકારી કર્મચારીને સુધારેલા દરે એચઆરસી/સીએલએનો ૮, ૧૬ અને ૨૪ ટકાના સુધારેલ દરે ચુકવી અપાયો છે. જ્યારે નિગમના કર્મચારીઓ સાથે અન્યાય કરી એરિયર્સ ચુકવાતું નથી. અવસાન પામેલ કર્મચારીના આશ્રિતોને સરકારના ધારાધોરણ મુજબ ૮ અને ૧૪ લાખની આર્થિક સહાયનો લાભ પાછલી અસરથી ચુકવી આપવા, વર્ષ-૨૦૧૧ પહેલાના બાકી રહી ગયેલા આશ્રિતોને નાણાંકિય લાભ મળ્યો નથી તેમને લાયકાતના આધારે ખાલી પડેલી જગ્યા ઉપર નિમણૂક આપવા, વર્ગ-૪ના પાર્ટટાઈમ કર્મચારીઓને વર્ષ-૨૦૨૨ના બોનસનો લાભ આપવા, વર્ષોથી ફરજ બજાવતા પાર્ટટાઈમ કર્મચારીઓને કામના કલાકોમાં વધારો કરી કાયમી કરવા અથવા લઘુતમ વેતનનો લાભ આપવા, મિકેનિક, ક્લાર્ક, વહીવટી સ્ટાફની ખાલી પડેલી જગ્યામાં ભરતી, ૭મા પગારપંચ મુજબ સુધારેલા દરે ઓ.ટી. ચુકવવા, ફેટલ-ગંભીર અકસ્માતના કિસ્સામાં ડ્રાઈવરનું છ માસ માટે આરટીઓ લાયસન્સ જપ્ત કરે ત્યારે અન્ય ફરજ લઈ હાજરી પુરી પગાર આપવા અને વાહનવ્યહવાર મંત્રીની અધ્યક્ષતામાં તા.૨૦-૯-૨૦૨૨ના રોજ થયેલી મિટીંગમાં પાર્ટ-૨ની માંગણીનું નિરાકરણ લાવવા સમાધાન થયેલ તે હજુ સુધી આવ્યું ન હોય, તેનું નિરાકરણ લાવવા નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને સંકલન સમિતિ દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ છે.