'ગરબામાં મોડે સુધી ના રોકાતો...' પિતાના ઠપકાંથી લાગી આવતાં પુત્રએ આપઘાત કરી લેતાં ખળભળાટ
રાજકોટના વાલ્મિકી વાડી આવાસ યોજનાના ક્વાર્ટરની કરૂણ ઘટના
એકલૌતા પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત
મૃતક યુવાનના સાત માસ પહેલાં લગ્ન થયા હતા, પત્ની હાલ ગર્ભવતી
Rajkot News | જામનગર રોડ પર વાલ્મિકી વાડી આવાસ યોજનાના ક્વાર્ટર નં. 116માં રહેતા વિનય ભીખુભાઈ બારૈયા (ઉ.વ.23)એ સવારે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. એકલૌતા પુત્ર વિનયને પિતાએ ગરબામાં એકલા નહીં જવા અને રાત્રે વહેલા આવી જવા બાબતે ઠપકો આપતાં લાગી આવતા આત્મઘાતી પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.
આપઘાત કરનાર વિનયના પિતા ભીખુભાઈએ જણાવ્યું કે તેને સંતાનમાં એક પુત્ર વિનય હતો, બે પુત્રી તેનાથી નાની છે. વિનય રોજ રાત્રે ગરબી જોવા એકલો જતો હતો. એટલું જ નહીં મોડો પણ આવતો હતો. જેને કારણે ગઇકાલે રાત્રે તેણે વિનયને એમ કહ્યું કે બેટા અત્યારે જમાનો સારો નથી, એટલે તું ગરબામાં એકલો ન જા. એટલું જ નહીં રાત્રે વહેલો આવી જા.
આ બાબતનું માઠું લાગી જતાં આજે સવારે વિનયે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. જાણ થતા પરિવારજનો તત્કાળ તેને બેભાન હાલતમાં સિવિલ લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો.
કરૂણતા એ છે કે વિનયના સાત મહિના પહેલા જ જામગરની દક્ષા સાથે લગ્ન થયા હતા. દક્ષા હાલ ગર્ભવતી છે. તેના પેટમાં દોઢથી બે માસનો ગર્ભ છે. આ સ્થિતિમાં તેના પતિએ જિંદગી ટૂંકાવી લીધી હતી.
ભીખુભાઈએ વધુમાં જણાવ્યું કે વિનય તેનો એકલૌતો પુત્ર હતો. તે પોતે પ્રાઇવેટ નોકરી કરે છે. જેમાંથી ગુજરાન ચાલી જતું હોવાથી વિનયને ક્યાંય કામે પણ મોકલતા ન હતા. વિનય તેને જીવથી પણ વહાલો હતો. બહાર જાય ત્યારે ચિંતા થતી હોવાથી થોડી-થોડી વારે તેના ખબર અંતર પૂછતા રહેતા હતા.
પ્ર.નગર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ આગળ ધપાવી છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રિના આગલા દિવસે જ રાજકોટમાં એક યુવતીએ બીમાર હોવાથી તેના પિતાએ તબિયત સારી થાય પછી ગરબા રમવા જવાનું કહ્યું હતું. જેને કારણે તે યુવતીને લાગી આવતા આત્મહત્યા કરી લીધી હતી.