કું.વાડામાં કોર્પોરેટરના પુત્ર ઉપર ચાર શખ્સે હુમલો કર્યો
મંગળવારે રાત્રે થયેલી જૂથ અથડામણમાં ક્રોસ ફરિયાદ
ફોરવ્હીલ અને ઈ-બાઈકમાં તોડફોડ, અર્ધા લાખની ચોરી કરી
ભાવનગર: શહેરના કુંભારવાડા વિસ્તારમાં થયેલી જૂથ અથડામણમાં સામા પક્ષે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં કોર્પોરેટરના પુત્ર ઉપર ચાર શખ્સે હુમલો કરી ફોરવ્હીલ અને ઈ-બાઈકને નુકશાન કરી કારમાંથી અર્ધા લાખની ચોરી કરી હતી.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કુંભારવાડા, અમર સોસાયટી, પ્લોટ નં.૪૪/બી, શેરી નં.૫માં રહેતા વિશાલભાઈ બાબુભાઈ મેર (ઉ.વ.૨૮) ગત તા.૨૭-૨ના રોજ રાત્રિના સમયે પોતાના ઘર પાસે ઉભા હતા. ત્યારે પ્રવીણ ઉર્ફે દાઉ હીરાભાઈ રાઠોડ (રહે, કુંભારવાડા) નામનો શખ્સ કાર પુરઝડપે લઈને નીકળતા છોકરા બહાર રમતા હોય, તેને અહીંથી ગાડી ધીમી હંકારવા કહ્યું હતું. જેથી શખ્સે ઉશ્કેરાઈ જઈ ગુપ્તી દેખાડી મારૂ નામ લેતો નહીં તેમ કહી ગાડી લઈ જતો રહ્યો હતો. બાદમાં વિશાલભાઈને તેના સાળા રોહિતભાઈ નાજાભાઈ રાઠોડના લગ્ન હોવાથી તેઓ વર્ના કાર નં.જીજે.૧૮.બીકે.૬૮૯૬ લઈ ગોપાલ સોસાયટીમાં જઈ રહ્યા હતા. ત્યારે કૃષ્૬નગર સોસાયટીમાં પ્રવીણ ઉર્ફે દાઉદ હીરાભાઈ રાઠોડ, જીવરાજ રાઠોડ, નરેશ રાઠોડ અને અરવિંદ રાઠોડ (રહે, તમામ કુંભારવાડા) નામના શખ્સોએ પાઈપ, ધારિયા, ધોકા, ઢીકાપાટું અને છુટ્ટા પથ્થરના ઘા કરી વિશાલભાઈ મેરને માર મારી કારમાં તોડફોડ કરી તેમાંથી ૫૦ હજાર રૂપિયાની ચોરી કરી હતી. જ્યારે વિશાલભાઈના ભાઈ પંકજભાઈ મેરની ઈ-બાઈકને પણ ચારેય શખ્સે નુકશાન કરી તોડી નાંખ્યું હતું. બનાવ અંગે કોર્પોરેટરના પુત્ર વિશાલભાઈ મેરે નોંધાવેલી ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે ચારેય શખ્સ સામે આઈપીસી ૨૭૯, ૫૦૪, ૩૪૧, ૩૨૩, ૩૩૭, ૪૨૭, ૩૭૯, ૪૬૧, ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કુંભારવાડામાં થયેલી જૂથ અથડામણમાં ગઈકાલે બુધવારે સામા પક્ષે પણ કોર્પોરેટર અને તેના પુત્રો સહિતના શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.