મહાપાલિકામાં ભાજપના ભષ્ટ્રાચારના વિરોધમાં આજે કોંગ્રેસના મૌન ધરણા
- ભાવનગરની પ્રજાને ભાજપની સરકાર લૂંટવા સિવાય બીજું કાંઈ કરતી નથી : કોંગ્રેસ
- મહાપાલિકામાં સારા રોડ પર રોડ બનાવવો અને બે વાહનમાંથી ડામરની ઘટ મળવાના કિસ્સા બહાર આવતા ભષ્ટ્રાચારના આક્ષેપો
મહાપાલિકાની કચેરી ખાતે આવતીકાલે બુધવારે સાંજે પ કલાકે શહેર કોંગ્રેસ દ્વારા મહાપાલિકામાં ભાજપના ભષ્ટ્રાચારના વિરોધમાં મૌન ધરણાનુ આયોજન કરવામાં આવેલ છે. તાજેતરમાં મહાપાલિકામાં બે ગોલમાલના કિસ્સા બહાર આવતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસે જણાવેલ છે કે, ભાવનગરના પ્રજાજનોને આ ભાજપની સરકાર લૂંટવા સિવાય બીજું કાંઈ કરતી નથી, તેના બે અણમોલ નમૂના સામે આવ્યાં છે. ભાવનગરના મેયર આનંદનગરમાં રોડનું ખાતમુહૂર્ત કરવા ગયા ત્યારે જોયું કે આ રોડની સ્થિતિ સારી છે તો અહીં રોડ બનાવવાની જરૂર નથી, માટે તે ખાતમુહૂર્ત કર્યા વિના ઉભા થઇ ગયા હતા અને ખાતમુહૂર્ત ના કર્યુ. ભાવનગરની પ્રજાને આ શાસકો અને કોન્ટ્રાકટરો વારંવાર રોડ ઉપર રોડ બનાવી ગુમરાહ કરી રહ્યા છે અને પ્રજાના પૈસા વેડફી રહ્યા છે. ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સુચના મુજબ રોડનું કામ થતું હતું ત્યાં મનપાની ટીમે ચેકીંગ ધર્યુ તો પ્લાન્ટમાંથી નીકળેલ ડામરની ગાડીમાં ૩૦૦૦ કિલો ડામર ઓછો નીકળ્યો હતો, આ ડામર ગયો ક્યાં ? તે મોટો પ્રશ્ન છે.
વર્ષોથી ભાવનગરના પ્રજાજનોનો પ્રશ્ન નબળા રોડનો છે તે આજ પુરવાર થયું છે. આ ભાજપની સરકારમાં નબળી ગુણવત્તાવાળું કામ કેમ થઈ રહ્યું છે ?, કોન્ટ્રાકટર અને અધિકારીઓ શાસકોને જવાબ પણ આપતા નથી, કારણ કે, આ સાથે મળી ભષ્ટ્રાચાર કરતા હોય છે, તેના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા મૌન ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાવનગર શહેરના તમામ આગેવાન, કોર્પોરેટર, યુથ કોંગ્રેસ, એસ.યુ.આઈ, મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાન કાર્યકરોને ઉપસ્થિત રહેવા શહેર પ્રમુખ અને વિપક્ષના નેતાએ જણાવેલ છે.