સિહોર : લોકોની સુખાકારી માટે ઉપયોગમાં લેવાતા વાહનો બંધ હાલતમાં
- સામાન્ય ખર્ચાની રાહે 10 થી 15 વાહનો બિનઉપયોગી પડયા છે
- સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સ વાહન, ટેમ્પલ બેલના બંધ હોવાથી સ્વચ્છતાનો અભાવ, સ્ટ્રીટલાઈટ બંધ રહેતી હોવાની સ્થિતિ નિર્માણ પામી
સિહોર : સિહોર નગરપાલિકામાં સામાન્ય ખર્ચો નહી થઈ શકવાના કારણે લોકોની સુખાકારી માટે ઉપયોગમાં લેવાતા ૧૦ થી ૧૫ વાહનો બિનઉપયોગી હાલતમાં પડયા છે. આ વાહનોમાં ટેમ્પલ બેલ, સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સના વાહનો છે અને આ વાહનો બંધ રહેવાના કારણે શહેરમાં સ્વચ્છતાનો અભાવ અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેતી હોવાની સ્થિતિ નિર્માણ પામી છે.
સિહોર નગરપાલિકાને સરકાર તરફથી મળેલા વાહનો બિસ્માર સ્થિતિમાં છે. નગરપાલિકાના જુદાં-જુદાં વોર્ડમાં સ્ટ્રીટ લાઈટના મેઈન્ટેનન્સ માટેના લાઈટિંગ વિભાગના ટાવર લોડર ખખડધજ હાલતમાં છે. તેવી જ રીતે સેનેટરી વિભાગમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરતા વાહનો પણ ખખડધજ અને બંધ હાલતમાં છે. આવા વાહનો બંધ હોવાથી શહેરમાં ઠેર-ઠેર કચરાના ઢગલાં જામી રહ્યાં છે તથા કેટલાંક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેવાના કારણે રાતના સમયે અંધારપટ જેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. આના કારણે નાગરિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પ્રાથમિક સુવિધાના વાહનોનું સમયાંતરે સમારકામ થતું રહેવું જરૂરી છે પરંતુ બીલ ચૂકવણીની જટિલ પ્રક્રિયાના કારણે આ કામમાં વિલંબ થઈ રહ્યો છે જેના કારણે સામાન્ય નાગરિકોને અસુવિધા થઈ રહી હોવાથી લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.