સિહોર : વન-વેના જાહેરનામાની અમલવારીમાં તંત્રની આળસથી બજારમાં ટ્રાફિકજામની સ્થિતિ
- છેલ્લા 10-12 મહિનાથી જાહેરનામાની અમલવારી માત્ર કાગળ પર
સિહોર : સિહોરના વડલાવાળા ખોડિયારથી મોટા ચોક સુધીના રસ્તે ૧૧ વર્ષથી વન-વેનું જાહેરનામું અમલી છે જેની અમલવારી થતી હતી પરંતુ છેલ્લા ૧૦-૧૨ મહિનાથી વન-વેની અમલવારી નહી થતી હોવાથી આ વિસ્તારમાં ભારે ટ્રાફિક તથા ભીડની સ્થિતિ સર્જાય છે અને ભીડના કારણે ખિસ્સા કાતરુંને પણ મોકળું મેદાન મળ્યું હોય તેમ ચીલ ઝડપ અને ખીસ્સા કપાવવાના કિસ્સાઓ વધ્યા છે. વન-વેની અમલવારી માટે પોલીસ દ્વારા મુકવામાં આવેલા બેરિકેડ પણ શોભાના ગાંઠિયા સમાન છે અને જાહેરનામાનો અમલ નહી થતો હોવાથી આ વિસ્તારમાં રિક્ષાઓ અને લારીઓ ગોઠવાઈ જતી હોવાથી અહીં ટ્રાફિક સમસ્યા પણ ઉદ્ભવે છે ત્યારે તંત્ર દ્વારા વન-વેનો અમલ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ભીડ તથા ટ્રાફિકના કારણે ખિસ્સા કાતરુંને મોકળું મેદાન મળ્યું, ચીલ ઝડપ અને ખીસ્સા કપાવવાના કિસ્સાઓ વધ્યા, વન-વેનો અમલ કરાવવામાં આવે તેવી માંગ
સિહોર શહેરની ટ્રાફિક સમસ્યાને લઈને ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સિહોરના વડલાવાળા ખોડિયાર માતાના મંદિરથી મોટા ચોક સુધી સવારના નવથી એક વાગ્યા સુધી અને બપોરના ચારથી સાંજના આઠ વાગ્યા સુધી વન-વેનું જાહેરનામું અમલી હોય તથા ડેલેથી મોટા ચોક સુધી નો-પાર્કિંગ ઝોન જાહેર કરેલું હોય જેની અમલવારી છેલ્લા ૧૦-૧૨ મહિનાથી સિહોર પોલીસ દ્વારા કરવામાં આવતી નહી હોવાથી આ વિસ્તારમાં નાની રિક્ષાઓ અને લારીઓ સવારથી સાંજ સુધી ગોઠવાય જાય છે અને આ વિસ્તારમાં મેઈન બજાર, બે શાકમાર્કેટ તથા ત્રણ બેંક આવેલી હોવાથી આ વિસ્તારમાં આખો દિવસ લોકોની સતત અવરજવર રહે છે. તેમજ આગામી સમયમાં આવનારી લગ્નસરાની સિઝનના કારણે પણ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ રહે છે ત્યારે જાહેરનામાનું અમલીકરણ નહી થવાના કારણે અહીં ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. આ ટ્રાફિકના કારણે ખિસ્સા કાતરુંને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ અહીં ખિસ્સા કપાવવાના અને ચીલ ઝડપ થવાના કિસ્સાઓ પણ છાશવારે બને છે. અહીંની ભીડ અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ સરકાર દ્વારા પંદર વર્ષ પહેલા આ બજારમાં સવારે નવથી બપોરે એક અને સાંજે ચારથી રાતે આઠ વાગ્યા સુધી ભારે વાહનોની પ્રવેશબંધી તથા વન-વેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા આઠ-દસ મહિનાથી આ જાહેરનામાની અમલવારી માત્ર કાગળ પર જ થતી હોય તેવું જણાઈ રહ્યું છે અને તેના કારણે આ વિસ્તારમાં દિવસ દરમિયાન ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. મેઈન બજારમાં ફુવારા પાસે પોલીસ ગેઈટ પણ મુકવામાં આવ્યો છે પરંતુ પોલીસ દ્વારા જાહેરનામાની અમલવારી કરાવવામાં આવતી નથી અને ટ્રાફિક નિયમન માટે અહીં મુકવામાં આવેલા બેરિકેડ પણ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે જે નડતરરૂપ બની રહ્યાં છે. બજારમાં વન-વેનો અમલ કરાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી થશે તેથી જવાબદાર તંત્ર દ્વારા જાહેરનામાની અમલવારી કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.